લંડનમાં પંજાબી પરિવારની મિલક્તના વિવાદના કિસ્સામાં કોર્ટે અંતે વિધવા વૃદ્ધ મહિલાને ન્યાય અપાવ્યો છે. એક પતિએ તેની મિલકતનું વસિયતનામું બનાવ્યું હતું. જે મુજબ પતિએ તેની વિધવા પત્ની અને તેની ચાર દીકરીઓને તેમાંથી બાકાત રાખી હતી અને તમામ મિલકત તેમના બે દીકરાઓના નામે કરી હતી. આ અંગે વિધવા મહિલાએ કોર્ટમાં કેસ કરતા તેમની જીત થઇ છે અને હવે તેમને એક મિલિયનથી વધુ કિંમતની મિલકતમાં હિસ્સો મળશે.
જસ્ટિસ પીલ સમક્ષ રજૂ થયેલા કેસમાં જણાયું હતું કે, 2021માં મૃત્યુ પામેલા કરનૈલ સિંઘે 2005માં પોતાનું વસિયતનામું લખ્યા પછી “તેમની મિલકત ફક્ત પુરૂષોને આપવાની ઈચ્છા રાખી હતી”. 1955માં કરનૈલ સિંઘ અને હરબન્સ કૌરના લગ્ન થયા હતા, તેમણે મિલકતની એકંદર કિંમત 1.9 મિલિયન પાઉન્ડ હોવાનો અંદાજ મુક્યો હતો. પરંતુ તેમના એક પુત્રે મિલ્ક્તની કિંમત 1.2 પાઉન્ડ મુકી હતી.
ન્યાયમૂર્તિ પીલે જાણ્યું હતું કે, આ પરિવારને કપડાનો બિઝનેસ હતો, તેમણે સમગ્ર કેસ જાણીને એવો ચૂકાદો આપ્યો હતો કે, 83 વર્ષીય હરબન્સ કૌરને મિલક્તની ચોખ્ખી કિંમતના 50 ટકા ભાગ મળવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, એ બાબત સ્પષ્ટ છે કે હરબન્સ કૌર માટે “વાજબી જોગવાઈ” કરવામાં આવી ન હતી, તેમને સરકાર પાસેથી અંદાજે 12 હજાર પાઉન્ડના લાભ મળે છે.
લંડનમાં હાઈકોર્ટના ફેમિલી ડિવિઝનમાં આ કેસની સુનાવણી કરનાર ન્યાયમૂર્તિ પીલે જણાવ્યું હતું કે, પુરાવા દર્શાવે છે કે હરબન્સ કૌરે લગ્ન કરીને કપડાના પારિવારિક બિઝનેસમાં “સંપૂર્ણ ભૂમિકા” ભજવી હતી. તેમણે કહ્યું કે, “25 જૂન, 2005ના એ વસિયતનામા દ્વારા, તે મિલકતને બે સંતાનોને સરખા ભાગે આપવામાં આવી હતી, આ બંને પુત્રો દાવો કરનાર અને મૃત્યુ પામનારના છે. દાવો કરનાર અને અન્ય ચાર બહેનોને બાદ કરતાં, આ વસિયત શા માટે બનાવવામાં આવી હતી, તેનું કારણ એ હતું કે મૃતક તેની મિલકતને ફક્ત પુરુષ સભ્યોને આપવા જ ઈચ્છતા હતા.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મને લાગે છે કે આ સૌથી સ્પષ્ટ સંભવિત કેસ છે, જેમાં હું એવું તારણ કાઢું છું કે, દાવો કરનાર માટે વાજબી જોગવાઈ કરવામાં આવી નથી. અન્ય કોઈ નિષ્કર્ષ પર કેવી રીતે જઇ શકાય તે જોવું મુશ્કેલભર્યું છે.”
“66 વર્ષના લગ્ન પછી, જેમાં તેમણે સંપૂર્ણ અને સમાન યોગદાન આપ્યું હતું, અને જે દરમિયાન તમામ સંપત્તિઓનું સર્જન થયું હતું, તેમને આગળ કંઈપણ આપ્યા વગર બાકાત રાખવામાં આવ્યા છે. હરબન્સ કૌરને મિલકતની ચોખ્ખી કિંમતના 50 ટકા હિસ્સો મળવો જોઈએ”.
લો ફર્મ- શેક્સપિયર માર્ટિન્યુઆના ભાગીદાર હીલેડ્ડ વિને જણાવ્યું હતું કે, ચુકાદામાં ચેતવણી હોવી જોઈએ. જ્યારે વકીલે જણાવ્યું હતું કે, “આ ચુકાદો એ વાતનો પુરાવો છે કે, લોકોને વસિયતમાંથી સરળ રીતે બાકાત ન કરી શકાય, ખાસ તો એ જીવનસાથીને કે જેમણે વર્ષોથી નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કોર્ટ આ બાબતે ખૂબ જ સ્પષ્ટ છે અને ન્યાયના હિતમાં ચુકાદો આપ્યો છે.”