આઈપીએલમાં વિતેલા વર્ષોની ધરખમ ટીમ્સ આ વર્ષે હજી સુધી સાવ નિરાશાજનક દેખાવ સાથે પોઈન્ટ્સ ટેબલમાં નીચે, લગભગ તળિયે બેઠેલી હાલતમાં છે, અને ગત વર્ષની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો દેખાવ કદાચ સૌથી વધુ નિરાશાજનક રહ્યો છે. રવિવારે (03 એપ્રિલ) પંજાબ કિંગ્સ સામેની મેચમાં 181 રનના બહુ કપરા કહી ના શકાય એવા ટાર્ગેટ સામે ધોનીની ટીમ 18 ઓવર્સમાં ફક્ત 126 રન કરી શકી હતી. આ રીતે, સતત ત્રીજી મેચમાં પરાજય સાથે ચેન્નાઈ છેક નવમા ક્રમે છે અને તેનો રનરેટ પણ ઘણો નીચો છે.
રવિવારે સુકાનીપદની જવાબદારી ધોનીએ સંભાળી હતી અને તેણે ટોસ જીતી પહેલા ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. પંજાબ તરફથી લિઆમ લિવિંગસ્ટને 32 બોલમાં 60 રન તથા ઓપનર શિખર ધવને 24 બોલમાં 33 રન કરી પંજાબને 8 વિકેટે 180 રનના થોડા સંતોષજનક સ્કોરે પહોંચાડ્યું હતું. ધોનીએ રવિન્દ્ર જાડેજા સહિત છ બોલર્સ અજમાવ્યા હતા અને ડ્વેઈન પ્રીટોરિઅસ તથા ક્રિસ જોર્ડને 2-2 તથા બીજા ત્રણ બોલર્સે એક-એક વિકેટ લીધી હતી. ધવન – લિવિંગસ્ટને ત્રીજી વિકેટની ભાગીદારીમાં 95 રન કર્યા હતા.
એ પછી ચેન્નાઈની ઈનિંગની તો શરૂઆત ખૂબજ ખરાબ રહી હતી અને 36 રનમાં તેણે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એકમાત્ર શિવમ દુબેએ 57 અને સુકાની ધોનીએ 23 રન કરી ટીમની થોડી આબરૂ બચાવી હતી.
પંજાબ તરફથી મયંક અગ્રવાલે પણ છ બોલર્સ અજમાવ્યા હતા, પણ તેના તમામ બોલર્સને વિકેટ મળી હતી, જો કે તેમાં સ્પિનર રાહુલ ચાહરે ચાર ઓવર્સમાં 25 રન આપી સૌથી વધુ – 3 વિકેટ લીધી હતી. વૈભવ અરોરા અને લિવિંગસ્ટને 2-2 વિકેટ લીધી હતી. લિવિંગસ્ટનને તેના ઓલરાઉન્ડ દેખાવ બદલ મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.