આઈપીએલ 2022માં થોડા સમય માટે બીજા ક્રમે ગયા પછી ગુજરાત ફરી પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પોઝિશનમાં આવી ગયું છે. તો લખનૌએ બીજું સ્થાન પણ ગુમાવી દીધું હતું અને હવે તે રાજસ્થાન પછી ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. દિલ્હીએ સોમવારના વિજય સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું અને હવે શક્યતા એવી છે કે, એ છેલ્લા સ્થાન માટે જ દિલ્હીની બીજી એક-બે હરીફો સામે સ્પર્ધા રહેશે. મુંબઈ પછી હવે પ્લે ઓફ્સની શક્યતા રહી જ ના હોય તેવી બીજી ટીમ ચેન્નઈ બની ગઈ છે, મુંબઈએ ગયા સપ્તાહના મુકાબલામાં ચેન્નઈને પાંચ વિકેટે હરાવી તેની પણ પ્લે ઓફ્સમાંથી બાદબાકી કરી નાખી હતી.
સોમવારની (16 મે) મેચમાં દિલ્હીએ પંજાબને 17 રને હરાવી પ્લે ઓફ્સમાં પોતાનો દાવો મજબૂત કર્યો હતો, તે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા ક્રમે પહોંચી ગઈ હતી. પંજાબે ટોસ જીતી દિલ્હીને પહેલા બેટિંગમાં ઉતારવા કહ્યું હતું. દિલ્હીએ 7 વિકેટે 159 રન કર્યા હતા, જેમાં મિચેલ માર્શના 63 અને સરફરાઝ ખાનના 32 રન સૌથી મહત્ત્વના રહ્યા હતા. તે ઉપરાંત લલિત યાદવે 24 અને અક્ષર પટેલે અણનમ 17 રન કર્યા હતા. પંજાબ તરફથી લિવિંગસ્ટન અને અર્શદીપ સિંઘે 3-3 વિકેટ લીધી હતી.
160 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી પંજાબની ઈનિંગ થોડી બરાબર ચાલી રહી હતી ત્યારે શાર્દુલ ઠાકુરે ઈનિંગની છઠ્ઠી ઓવરમાં આક્રમક ઓપનર શિખર ધવન અને ભાનુકા રાજપક્ષેની વિકેટો ખેરવી પંજાબને મુશ્કેલીમાં મુકી દીધી હતી. એ પછી તે 18મી ઓવરમાં ફરી ત્રાટ્કયો હતો. ઠાકુરે ચાર ઓવરમાં 36 રન આપી ચાર વિકેટ ખેરવી હતી અને એ બદલ તેને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. તેના સિવાય અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી, તેમાં પણ અક્ષર પટેલે તો ચાર ઓવરમાં ફક્ત 14 રન આપ્યા હતા, તો કુલદીપે પણ 14 રન જ આપ્યા હતા, તેણે ઓવર એક ઓછી કરી હતી. એકંદરે પંજાબ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી ફક્ત 142 સુધી પહોંચી શક્યું હતું. જીતેશ શર્માએ સૌથી વધુ 44 તથા જોની બેરસ્ટોએ 28 રન કર્યા હતા, તો રાહુલ ચાહરે 25 અને શિખર ધવને 19 રન કર્યા હતા.
દિલ્હી તરફથી ડેવિડ વોર્નર અને પંજાબ તરફથી સુકાની મયંક અગ્રવાલ શૂન્યમાં આઉટ થયા હતા, બન્ને ટીમમાંથી ચાર ચાર બેટ્સમેન જ બે આંકડાના સ્કોરે પહોંચી શક્યા હતા. દિલ્હીનો સુકાની પંત પણ ખાસ સફળ રહ્યો નહોતો, એણે ફક્ત 7 રન કર્યા હતા.