રવિવારે બપોરે રમાયેલી દિવસની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સની ધૂરંધર ટીમને રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલે હરાવી સનસનાટી મચાવી હતી. ચેન્નાઈએ પહેલા બેટિંગ કરી ચાર વિકેટે 200 રન કર્યા હતા. પણ તેની સામે પંજાબ કિંગ્સે 6 વિકેટે 201 રન કરી વિજયનો ડંકો વગાડ્યો હતો. આ રીતે પંજાબ પણ ટોપ ફોરની સ્પર્ધામાં ચેન્નાઈની લગોલગ પહોંચી ગયું છે.
ચેન્નાઈ તરફથી પહેલી બેટિંગમાં ડેવોન કોન્વેએ અણનમ 92 રન કરી જંગી સ્કોરમાં મુખ્ય ફાળો આપ્યો હતો, તો તે સિવાય ગાયકવાડે 38 અને શિવમ દુબેએ 28 રન કર્યા હતા. પંજાબના ચાર બોલર્સે એક-એક વિકેટ લીધી હતી.
જવાબમાં પંજાબ પ્રભસિમરન સિંઘે 42 અને લિઆમ લિવિંગ્સ્ટને 40 રન કર્યા હતા, પણ છેલ્લી ઓવરમાં છેલ્લા બોલે સિકંદર રઝાએ ત્રણ રન દોડી જઈને ચેન્નાઈને આંચકાજનક પરાજય આપ્યો હતો.
ડેવોન કોન્વેને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.