પંજાબમાં કોંગ્રેસમાં છેલ્લા કેટલાંક વખતથી જોરદાર આંતરિક વિખવાદ ચાલે છે. રાજ્યના કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અમરિંદર સિંહ અને કોંગ્રેસના બીજા નેતાઓ એકબીજાની સામે નવા નવા આક્ષેપ કરી રહ્યાં છે. આવી તનાતની હવે પાકિસ્તાનના પત્રકાર અરૂસા આલમનું નામ સામે આવ્યું છે.
પંજાબના ઉપમુખ્યપ્રધાન સુખજિંદર સિંહ રંધાવાએ શુક્રવારે અમરિંદર સિંહના મિત્ર અરૂસા આલમના પાકિસ્તાનની સિક્રેટ એજન્સી ISI સાથેના સંબંધો બાબતે તપાસના આદેશ જાહેર કર્યા છે. અરૂસા આલમ પાકિસ્તાનમાં ડિફેન્સને લગતા સમાચાર કવર કરે છે. અરૂસાનું નામ સામે આવ્યા પછી ટ્વિટર પર સુખજિંદર સિંહ અને અમરિંદર સિંહ વચ્ચે તકરાર થઈ ગઈ છે અને દોઢ દશક જૂની વાત ફરીથી ચર્ચાનો વિષય બની છે.
અમરિંદર સિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વિટ કરીને પૂછ્યું કે, સુખજિંદરે ત્યારે કેમ ફરિયાદ ના કરી જ્યારે અમરિંદર કેબિનેટ પ્રધાન હતા. અરૂસા કેન્દ્રની મંજૂરી લઈને પાછલા 16 વર્ષથી ભારત આવી રહ્યા છે. આટલુ જ નહીં, તેમણે અરૂસા આલમ અને સોનિયા ગાંધીની એક તસવીર પણ પોસ્ટ કરી હતી. અરૂસા પાકિસ્તાનમાં રાની જનરલના નામથી પ્રખ્યાત અકલીન અખ્તરના દીકરી છે. સમાજસેવી અકલીન અખ્તરનો 1970ના દશકમાં પાકિસ્તાનની રાજનીતિ પર મોટો પ્રભાવ હતો.
અરૂસા વર્ષ 2004માં કેપ્ટન અમરિંદર સિંહને પહેલી વાર મળ્યા હતા. તે સમયે કેપ્ટન અમરિંદર સિંહ પાકિસ્તાન ગયા હતા. અરૂસાએ વર્ષ 2007માં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાને અમરિંદર સિંહના મિત્ર જણાવ્યા હતા. 2017માં જ્યારે અમરિંદર સિંહ પંજાબના મુખ્યપ્રધાન બન્યા તો શપથગ્રહણ સમારોહમાં અરૂસા આલમ પણ હાજર રહ્યા હતા. 2007માં જ્યારે અરૂસા અને કેપ્ટનના કથિત અફેરની અટકળો ચાલી રહી હતી ત્યારે અરૂસાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને તમામ અટકળો ફગાવી હતી.