પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને અકાલીદળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે ખેડૂતોના નવા કાયદાના વિરોધમાં પોતાનો પદ્મ વિભૂષણ એવોર્ડ પાછો આપવાની ગુરુવારે જાહેરાત કરી હતી. પ્રકાશ સિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખેલા પત્રમાં કાયદાઓનો વિરોધ કર્યો હતો, ખેડૂતો પર થયેલી કાર્યવાહીની નિંદા કરી હતી.
તેમણે કહ્યું છે કે, હું એટલો ગરીબ છું કે, મારી પાસે ખેડૂતો માટે કુરબાન કરવા બીજુ કશું નથી અને ખેડૂતોનું અપમાન થઈ રહ્યું હોય તો આ એવોર્ડ રાખવાનો કોઈ મતલબ નથી. ખેડૂતો સાથે જે પ્રકારે દગો કરાયો છે તેનાથી હું દુખી છું અને ખેડૂતોના આંદોલનને પણ ખોટી રીતે રજૂ કરાઈ રહ્યુ છે તે વધારે પીડાદાયક છે.
બાદલ પછી અકાલી દળના નેતા સુખદેવસિંહ ઢીંઢસા પણ પદ્મ ભૂષણ એવોર્ડ સરકારને પાછો આપવાનો છે. આ પહેલા કેટલાક ખેલાડીઓ ખેડૂતોના સમર્થનમાં અર્જુન એવોર્ડ પણ પરત કરવાની જાહેરાત કરી ચુક્યા છે. બાદલ પરિવારે ખેડૂતોના કાયદાનો સૌથી વધારે વિરોધ કર્યો છે. આ કાયદાના વિરોધમાં પહેલા હરસિમરકૌર બાદલ મોદી સરકારમાંથી રાજીનામુ આપી ચુક્યા છે.