કોરોના મહામારીને અંકુશમાં લેવા માટે પંજાબ સરકારે રાજ્યના તમામ શહેરોમા પહેલી ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારે કોરોના સંબંધિત નિયમોના ઉલ્લંઘન બદલ દંડ પણ બમણો કર્યો છે. આની સાથે નાઇટ કર્ફ્યૂ લાદનારું પંજાબ દેશનું છઠ્ઠું રાજ્ય બન્યું છે.
પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે બુધવારે નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ કર્ફ્યૂ રાતે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સિંગ જેવા કોરોના સાથે જોડાયેલા નિયમ તોડવા માટેનો દંડ પણ ડબલ કરી દેવાયો છે. હવે નિયમ તોડીને 1000 રૂપિયા દંડ ફટકારાશે. તમામ હોટલ, રેસ્ટોરાં અને લગ્નસમારંભના સ્થળો રાતે 9.30 વાગ્યા સુધી બંધ કરવા પડશે.
રાજ્ય સરકાર 15 ડિસેમ્બરે આ નિર્ણયોની સમીક્ષા કરશે. પંજાબમાં અત્યાર સુધી કોરોનાના 1,47,665 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાં 6,834 એક્ટિવ કેસ છે. વાઈરસથી અત્યાર સુધી 4,653 મોત થયા છે. લુધિયાનામાં દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. આ પહેલા મધ્યપ્રદેશ, ગુજરાત, હિમાચલપ્રદેશ, છત્તીગસઢ અને રાજસ્થાન સરકારે પોતાના શહેરમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી હતી.