કોરોનાના કેસોમાં ઉછાળો આવતા પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે કોરોનાગ્રસ્ત નવ જિલ્લામાં નાઇટ કરફ્યૂના સમયગાળામાં બે કલાક વધારાની ગુરુવારે જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાને આગામી થોડા દિવસોમાં વધુ આકરાં પગલાં અને નિયંત્રણોની પણ ચેતવણી આપી હતી.
નાઇટ કરફ્યૂ રાત્રે ૯થી સવારના ૫ વાગ્યા સુધી લાગુ રહેશે. અગાઉ નાઇટ કરફ્યૂનો સમય રાત્રે 11થી સવારથી પાંચ વાગ્યા સુધી હતો. નાઇટ કરફ્યૂની મુદત વધારવામાં આવી છે તેવા જિલ્લામાં લુધિયાણા, જલંધર, પટિયાલા, મોહાલી, ગુરદાસપુર, હોશિયારપુર, કપુરથલા અને રોપરનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લામાં દરરોજ 100થી વધુ કેસ નોંધાયા છે.
પંજાબમાં ૧થી ૧૭ માર્ચ સુધીમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ચાર ગણી વધી હતી. એક માર્ચે ૫૦૦ નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે ૧૭ માર્ચે ૨,૦૪૫ નવા કેસ નોંધાયા હતા. સાથે જ કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ વધી હતી. બુધવારે એક દિવસમાં ૩૯ લોકોનાં મોત થયા હતા. છેલ્લા એક મહિનામાં ૩૯૨ લોકોનાં મોત થયા છે.
પંજાબમાં કોરોનાના વધી રહેલાં કેસો અગાઉના રેકોર્ડ તોડી રહ્યાં છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક દિવસમાં ૨૦૬૭ કેસ સામે આવ્યા હતા અને હવે તે આંકડો માર્ચમાં જોવા મળી રહ્યો છે. પંજાબમાં અત્યાર સુધી મૃત્યુ પામનારની સંખ્યા ૬૧૭૨ પર પહોંચી ગઇ છે.
ફેબ્રુઆરી મહિનામાં પંજાબમાં ૮૭૦૬ કેસ નોંધાયા હતા, જ્યારે માર્ચમાં દરરોજ એક હજાર નવા કેસ સામે આવી રહ્યાં છે. પંજાબમાં ૧૫ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુધીમાં ૩૯૨ મોત થયા હતા અને મૃત્યુદર ૪.૫ ટકા પર પહોંચી ગયો હતો. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં ૧૯૪ લોકોનાં મોત નિપજ્યાં હતા.