BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતા અને અબુ ધાબીમાં મધ્યપૂર્વના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના નિર્માણકાર્ય અને ઉદ્ઘાટન સમારંભ અંગેની ચર્ચા વિચારણા કરી હતી. આ મુલાકાતને અંતે “પ્રેમ, શાંતિ અને સંવાદિતાની દીવાદાંડી સમાન ઐતિહાસિક અબુ ધાબી મંદિરનું 3D પ્રિન્ટેડ મોડલ મોદી સમક્ષ રજૂ કરાયું હતું.
30 મિનિટની બેઠકમાં પૂજ્ય બ્રહ્મવિહારીદાસે મોદીને ‘સંવાદિતાના ઉત્સવ’ની માહિતી આપી હતી. સંવાદિતતાના ઉત્સવ 14 ફેબ્રુઆરી, 2024ના રોજ અબુ ધાબીના અબુ મુરેખા વિસ્તારમાં ભવ્ય મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી છે. આ ઉપરાંત પૂજ્ય બ્રહ્મવિહારીદાસે રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલા ‘પ્રેરણા ઉત્સવ’ની પણ માહિતી આપી હતી.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મોદીને તેમના આરોગ્ય, નેતૃત્વ માટે આપેલા આશીવર્ચન પૂજ્ય બ્રહ્મવિહારીદાસે વડાપ્રધાનને આપ્યાં હતાં.BAPS સ્વામિનારાયણ સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાને ભારે ઉત્સુકતા સાથે આ માહિતી લીધી હતી તથા BAPS સંતો અને સ્વયંસેવકોના સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યની પ્રશંસા કરી હતી.