ટેસ્ટ પ્લેયર તરીકેની નામના ધરાવતા ધરખમ ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ઈંગ્લેન્ડમાં રોયલ લંડન વન-ડે કપમાં શાનદાર ફોર્મ દાખવતાં ગયા સપ્તાહે સતત બે મેચમાં બે સદી ફટકારી સનસનાટી મચાવી દીધી હતી. સસેક્સના કેપ્ટન પુજારાએ સરે સામેની મેચમાં ૨૦ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે માત્ર ૧૩૧ બોલમાં ૧૭૪ રન કર્યા હતા. આ રીતે, સસેક્સના છ વિકેટે ૩૭૮ રનના જંગી સ્કોરમાં તેનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. આ મેચમાં સસેક્સનો 216 રને જંગી વિજય થયો હતો.
ટોસ ગુમાવ્યા પછી પહેલા બેટિંગ કરતાં સસેક્સે માત્ર ૯ રનમાં બંને ઓપનર ગુમાવ્યા પછી પુજારા ટોમ ક્લાર્ક સાથે જોડાયો હતો. પુજારાનો સાથ આપતા ટોમ ક્લાર્કે પણ ૧૦૬ બોલમાં ૧૩ ચોગ્ગા સાથે ૧૦૪ રન કર્યા હતા. જવાબમાં સરે માત્ર ૧૬૨ રનમાં ઓલઆઉટ થયું હતું.
વોરવિકશાયર સામે પણ પુજારાની સદીઃ એ અગાઉ, પુજારાએ બે દિવસ પહેલા વોરવિકશાયર સામે માત્ર ૭૯ બોલમાં ૭ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૧૦૭ રન કર્યા હતા. જો કે, પુજારાની આ તોફાની કેપ્ટન્સ ઈનિંગ છતાં તેની ટીમ સસેક્સ સામે વોરવિકશાયરનો ચાર રને વિજય થયો હતો. વિજય માટેના ૩૧૧ના ટાર્ગેટ સામે સસેક્સ સાત વિકેટે ૩૦૬ રન સુધી જ પહોંચી શકી હતી. પુજારાએ આક્રમક સદી સાથે તેની વન ડે બેટ્સમેન તરીકેની પ્રતિભાનો ચમકારો દેખાડયો હતો. તેણે ઈનિંગની ૪૫મી ઓવરમાં અનુક્રમે ૪,૨,૪,૨,૬,૪ એમ કુલ ૨૨ રન કર્યા હતા.