પંજાબમાં રવિવારે વિધાનસભાની તમામ 117 બેઠકોની ચૂંટણી માટે મતદાન થશે. રાજ્યના આશરે 2.14 કરોડ મતદાતા 93 મહિલા સહિત 1,304 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
રાજ્યના ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે મતદાન સવારે 8 વાગ્યે ચાલુ થશે અને સાંજ 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. મતગણતરી 10 માર્ચે થશે. રાજ્યમાં બહુકોણીય જંગ છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એસએડી-બીએસપી જોડાણ, ભાજપ- PLC-SAD (સંયુક્ત) ગઠબંધન મેદાનમાં છે. ખેડૂતોના વિવિધ સંગઠને રચેલી રાજકીય પાર્ટી સંયુક્ત સમાજ મોરચો પણ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યો છે.
ચૂંટણીના મેદાનમાં રહેલા મુખ્ય ચહેરામાં મુખ્યપ્રધાન ચરણજિત સિંહ ચન્ની, આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનનો ચહેરો ભગવંત માન, પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુ, ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો અમરિંદર સિંહ અને પ્રકાશ સિંહ બાદલ તથા શિરોમણી અકાલી દળના વડા સુખબિર સિંહ બાદલનો સમાવેશ થાય છે.
રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસ સત્તા જાળવી રાખવા માટે પ્રયાસ કરશે. રાજ્યમાં નશીલા પદાર્થના દૂષણ અને ભ્રષ્ટાચારના મુદ્દા છવાયેલા રહ્યાં હતા.કોંગ્રેસ વીજળી બિલમાં ઘટાડો અને ઇંધણની ડ્યૂટીમાં ઘટાડા જેવા નિર્ણયો પર આધાર રાખી રહી છે. રાજ્યમાં મુખ્ય દાવેદાર તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટી દિલ્હી મોડલ રજૂ કરીને કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવા માગે છે.
આ ચૂંટણી શિરોમણી અકાલી દળ માટે પણ મહત્ત્વની છે, કારણ કે તેને ખેડૂત કાયદાના મુદ્દે 2020માં ભાજપ સાથે જોડાણનો અંત આણ્યો હતો અને હાલમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી) સાથે ચૂંટણી લડી રહી છે. પક્ષના વડા સુખબિર સિંહ બાદલે રાજ્યના સર્વાંગી વિકાસનું વચન આપ્યું છે.
રાજ્યમાં ભાજપે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અમરિંદર સિંહની આગેવાની હેઠળની પંજાબ લોક કોંગ્રેસ અને સુખદેવ સિંહ ઢિંઢસાની આગેવાની હેઠળની એસએડી (સંયુક્ત) સાથે જોડાણ કર્યું છે. ભાજપે નવા પંજાબ માટે ડબલ એન્જિન સરકારનો મુદ્દે રજૂ કર્યો હતો.