ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા પંદરમી વિધાનસભાના સત્રમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બિલ-૨૦૨૩ લાવવામાં આવ્યું હતું, જેને બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. આ એક્ટ અંતર્ગત વડોદરાની ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા,અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી , આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી, સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી , રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, કચ્છમાં આવેલી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને સમાવિષ્ટ કરવામાં આવી છે.
આ એક્ટની જોગવાઈઓથી ૧૧ પબ્લિક યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલની ભૂમિકા મહત્વની બની રહેશે.
આ વિધેયકની જોગવાઈઓ મુજબ યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે. એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે. આ વિધેયકની જોગવાઈઓના પાલનથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦માં થયેલ સૂચનોનું અમલીકરણ વધુ સારી રીતે થઇ શકાશે.
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્રારા કોલેજના અધ્યાપકો,આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસરો, અધ્યક્ષોની નિમણૂકમાં ૩૩% મહિલા સભ્યોની જોગવાઈ કરાઈ છે. યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે.