લેબર પક્ષના લેસ્ટર શહેરના પૂર્વ કાઉન્સિલર અને પક્ષે ટિકીટ નહિં આપતા લેસ્ટર સીટી મેયરલ પદ માટે અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર રીટા પટેલે જણાવ્યું હતું કે ‘’હિન્દુ અને મુસ્લિમ સમુદાયે લાંબા સમયથી લેબરને ટેકો આપ્યો હોવા છતાં તે જ સમાજના 10 કાઉન્સિલર્સને દૂર કરવામાં એક પળનો પણ વિચાર નહિં કરનાર લેબર સામે જનતામાં આક્રોશ પર્વર્તી રહ્યો છે.’’
કાઉન્સિલર રીટા પટેલે ‘ગરવી ગુજરાત’ને એક્સક્લુસિવ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘’લેસ્ટર શહેરમાં સીટી મેયરલ સીસ્ટમ ફીટ ન થતી હોવાથી તેનો વિરોધ કરવા બદલ લેબર નેતાગીરીએ 18 સીટીંગ કાઉન્સિલર્સ સામે પગલા ભરી ફરીથી ટિકીટ આપી ન હતી. જેમાથી સાઉથ એશિયન તરીકે 6 હિન્દુ, 5 મુસ્લિમ, 1 કેથલિક ક્રિશ્ચન અને 1 શીખ કાઉન્સિલર હતા. પરંતુ તેમણે પછીથી શીખ કાઉન્સિલરને પાછા લઇ લીધા હતા. અમારો વિરોધ એ છે કે છેલ્લા 12 વર્ષથી સર પીટર સોલ્સબીના સ્વરૂપે એક જ વ્યક્તિને મેયર બનાવાય છે. અન્યની પસંદગી માટે લેબરમાં કોઇ ઓપન પ્લેટફોર્મ પણ નથી અને તેઓ લેબર પક્ષમાં કોઇ હરિફાઇ વગર જીતે છે. તેઓ બધી સત્તાઓ ધારણ કરે છે જેની સામે કાઉન્સિલર સત્તાવિહોણા છે. અમારી તકલીફ એ હતી કે પીટર સોલ્સબી કોઇનું સાંભળતા નથી અને તેમની વિરૂધ્ધ કોઇ જાય તે તેમને ગમતું ન હતું.’’
રીટાબેને જણાવ્યું હતું કે ‘’અમે સૌ છેલ્લા 15-20 વર્ષથી કાઉન્સિલર તરીકે સેવા આપતા હતા પરંતુ અમને બધાને દૂર કરીને નવા અનુભવ વગરના ઉમેદવારોને મૂકાયા છે. અમને મેયરલ પદના મોશન સામે વાંધો હોવા છતાંય કોઇએ અમને સાંભળવાની તસ્દી લીધી ન હતી. સર કેર સ્ટાર્મરે લોકલ લેબર મેમ્બર્સ કાઉન્સિલરની પસંદગી કરવા માટે પ્રોસેસ કરશે તેવી ખાતરી આપી હતી, છતાંય તેનું પાલન થયું ન હતું.’’
રીટેબેને જણાવ્યું હતું કે ‘’એક વખતે લેસ્ટર લેબરનો સ્ટ્રોગહોલ્ડ કહેવાતું પણ હવે લેબરે અમારી સાથે જે કર્યું તેનાથી લોકોને લેબરમાં વિશ્વાસ રહ્યો નથી. લોકોને લાગે છે કે લેબર જો તેના ખુદના કાઉન્સિલર કે સભ્યોની સાચી વાત સાંભળી શકતું ન હોય તો જનતાનું શું સાંભળશે. પહેલા હિન્દુ મુસ્લિમ સૌને લાગતું કે લેબર તેમની પાર્ટી છે પરંતુ હવે લોકો અન્યાય સહન કરવા તૈયાર નથી. આ વખતે લેસ્ટરમાં કુલ 27 ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી કરી છે. જેમાંથી લેબરના જ 11 છે. તો 3 જણાએ ટોરીમાંથી અને 1 ગ્રીનમાંથી લડી રહ્યા છે. 1 TUSCમાં જોડાયા છે.
તેમણે કહ્યું હતું કે ‘’લેબરમાંથી ટિકીટ ન મળતા નીતાબેન સોલંકી, પદ્મિની ચામુંડ, મહેન્દ્રભાઇ વાળંદ અને મેં અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. તો પૂર્વ લોર્ડ મેયર રશ્મિકાંત જોશી અને હેમંત રે ભાટીયા કોન્ઝર્વેટીવ્સ તરફથી લડી રહ્યા છે.’’