રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન યુક્રેન સામેનું ઘાતકી યુદ્ધ જીતી શકશે નહીં. કેમિકલ કે ન્યુક્લિયર હુમલાના કિસ્સામાં નાટોને યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે, એમ નાટોના નાયબ મહામંત્રી મિરસિયા જિઓનાએ જણાવ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં રોમાનિયાના આ પૂર્વ વિદેશ પ્રધાને રશિયા સામે કેવા પગલાં લેવામાં આવશે તેનો ફોડ પાડ્યો ન હતો.
મોસ્કોના અધિકારીઓએ આવા વિનાશકારી શસ્ત્રોના ઉપયોગનો ઇનકાર કર્યો નથી, તેથી નાટોના નાયબ મહામંત્રીનું આ નિવેદન મહત્ત્વનું છે. તેમણે જણાવ્યું હતું કે નાટો એક રક્ષણાત્મક જોડાણ છે, પરંતુ તે ન્યુક્લિયર એલાયન્સ પણ છે. જો તેઓ યુક્રેન સામે રાસાયણિક શસ્ત્રો અથવા બીજી ઉચ્ચ સ્તરીય સિસ્ટમનો ઉપયોગ કરશે તો તેનાથી યુક્રેન સામે પુતિને છેડ્યું છે તે યુદ્ધનો પ્રકાર મૂળભૂત રીતે બદલાઈ જશે. હું ગેરંટી આપું છું કે નાટો યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે પોર્ટ સિટી મારિયાપોલના એક થીએટર પર રશિયાનો હુમલો વધુ એક એવો પુરાવો છે કે પુતિનનું યુદ્ધ એવું યુદ્ધ છે કે જે ઉશ્કેરણી વગરનું, અતાર્કિક અને જંગલી પણ છે.