એક આશ્ચર્યજનક ગતિવિધિમાં એશિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા લિજેન્ડરી પીટી ઉષાએ શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે. આ ચૂંટણી 10 ડિસેમ્બરે યોજાવાની છે. જો 10 ડિસેમ્બરે પ્રેસિડન્ટ તરીકે ચૂંટાશે, પીટી ઉષા દેશનું પ્રતિનિધિત્વ કરનારી અને IOAના વડા પણ બનનાર પ્રથમ રમતવીર બનશે
58 વર્ષીય ઉષાએ એક ટ્વિટ કરી જાહેરાત કરી હતી કે “મારા સાથી એથ્લેટ્સ અને નેશનલ ફેડરેશનના ઉષ્માભર્યા સમર્થનથી હું IOAના પ્રેસિડન્ટનું ઉમેદવારી પત્ર સ્વીકારવા અને ફાઇલ કરવા બદલ સન્માનિત થઈ છું.”
IOAની ચૂંટણીઓ નવા બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલા નિવૃત્ત ન્યાયાધીશ એલ નાગેશ્વર રાવની દેખરેખ હેઠળ યોજાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સમિતિની મંજૂરી મળ્યા બાદ IOAએ 10 નવેમ્બરે નવું બંધારણ અપનાવ્યું હતું. IOA લાંબા સમયથી જૂથબંધીથી ગ્રસ્ત સંસ્થા છે અને નવી ગતિવિધીના સંદર્ભમાં હરીફ અધિકારીઓ ઉષા સામેની લડાઈ માટે ભેગા થાય છે કે કેમ તે જોવાનું રહે છે.
‘પાયોલી એક્સપ્રેસ’ તરીકે પ્રસિદ્ધ પીટી ઉષાને શાસક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જોવામાં આવી રહી છે. ભાજપે જુલાઈમાં તેમને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા. 1982 અને 1994માં એશિયન ગેમ્સમાં ચાર સુવર્ણ સહિત 11 મેડલ જીતીને તે ભારતની સૌથી સફળ એથ્લિટ છે.
તેમણે 1986 સિઓલ એશિયન ગેમ્સમાં ચારે ગોલ્ડ જીત્યા હતા. તેમાં 200m, 400m, 400m હર્ડલ્સ અને 4x400m રિલે રેસનો સમાવેશ થાય છે. તેમણે 100mમાં સિલ્વર મેડલ પણ મેળવ્યો હતો.