બેલારુસમાં એક સપ્તાહ પહેલા થયેલ ચૂંટણીમાં વિજય થયેલ પ્રેસિડેન્ટ એલેકઝેન્ડર લુકાશેંકો સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજધાની મિંસ્કમાં રવિવારે લગભગ 2 લાખ લોકોએ રસ્તા પર આવીને તેમના રાજીનામાંની માંગ કરી છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે લુકાશેંકોએ ચૂંટણીમાં ગડબડી કરીને સત્તા હાંસલ કરી છે. અહીંયા છેલ્લા સાત દિવસથી લુકાશેંકો સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અત્યારસુધીમાં બે પ્રદર્શનકારીઓનું મૃત્યુ થઇ ચૂક્યું છે અને હજારો લોકોને જેલમાં ધકેલવામાં આવ્યા છે.
સ્થાનિક મીડિયા પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ સપ્તાહે બે વખત લુકાશેંકો સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે લુકાશેંકોને તમામ મદદ પહોંચાડવા માટે ભરોસો આપ્યો હતો. પુતિને કહ્યું હતું કે અમે જરૂર પડતા બંને દેશો વચ્ચે થયેલ સમજૂતી પ્રમાણે બેલારુસને સેનાની મદદ પહોંચાડવા માટે પણ અમે તૈયાર છીએ. દેશ પર બહારથી દબાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ તે નથી જણાવ્યું કે આ દબાણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે. લુકાશેંકો બેલારુશમાં 26 વર્ષથી રાષ્ટ્રપતિ છે.
તેમને દેશના અંતિમ સરમુખત્યાર પણ કહેવામાં આવે છે. લુકાશેંકોએ નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રિનિટી ઓર્ગેનાઇઝેશન) પર આરોપ લગાવ્યો છે કે તેમની સામેનો વિરોધ તીવ્ર બન્યા બાદ તેમની સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. લુકાશેંકોએ કહ્યું હતું કે, નાટો મારી સરકાર પછાડવા માંગે છે. તેણે બેલારુસની સરહદ પર ફાઈટર જેટ તૈનાત કર્યા છે. આ બાબતે નાટોએ જણાવ્યું હતું કે બેલારુસના ઘટનાક્રમ પર અમારી નજર છે, પણ અમારી સેનાની તૈયારીઓ બાબતેના કરવામાં આવી રહેલા દાવા પાયાવિહોણા છે.
રશિયાની પશ્વિમી સરહદ પર આવેલું બેલારુસ 25 ઓગસ્ટ 1991થી સંયુક્ત રાષ્ટ્રથી અલગ થઈને સ્વતંત્ર દેશ બન્યો હતો. ત્યારબાદ તેનું બંધારણ ઘડાયું અને જૂન 1994માં પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ. રાષ્ટ્રપતિ બન્યા એલેકઝેન્ડર લુકાશેંકો. વર્ષ 1994થી અત્યાર સુધીમાં પાંચ વખત ચૂંટણી યોજાઈ છે, પરંતુ હજી પણ રાષ્ટ્રપતિ લુકાશેંકો જ છે. તેમના પર દરેક ચૂંટણીમાં ગડબડી કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે.
રશિયામાં ઇંધણ પહોંચાડતી પાઇપલાઈન બેલારુસ થઈને પસાર થઇ રહી છે. રશિયા બેલારુસને નાટો સામે તેનો બફર ઝોન માને છે. રશિયા નથી ઇચ્છતું કે તેના બેલારુસ સાથેના સંબંધ બગડે. જો દેશમાં લુકાશેંકો સરકારની સત્તા પલટાય તો રશિયાને નુકશાન થઇ શકે છે. આ સાથે વધુમાં રશિયા અને બેલારુસ વચ્ચે કેટલીક સમજૂતી પણ કરવામાં આવી છે. આ કારણે પુતિન લુકાશેંકો અને બેલારુસને સાથ આપી રહ્યા છે.