ઇઝરાયલ અને ગાઝામાં ચાલી રહેલી હિંસા વચ્ચે વડા પ્રધાન ઋષિ સુનક નોર્થ લંડનના સિનાગોગમાં પ્રાર્થના કરવા જોડાયા હતા, જ્યાં તેમણે બ્રિટિશ યહૂદી સમુદાયને તેમની સુરક્ષા માટે ખાતરી આપી હતી અને હું ઇઝરાયેલની જરૂરિયાતની ઘડીમાં તમારી સાથે એકતામાં ઊભો રહેવા માંગુ છું એમ જણાવ્યું હતું. ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ કહ્યું છે કે, ‘’યુકેના યહૂદી સમુદાયની સલામતી સરકારની સંપૂર્ણ પ્રાથમિકતા રહેશે. યુકેમાં યહૂદીઓને મધ્ય પૂર્વમાં થતા બનાવો બાદ નિશાન બનાવવામાં આવે છે તે સંપૂર્ણપણે અયોગ્ય છે.”
વડા પ્રધાને મંગળવારે કહ્યું હતું કે ‘’હું દરેકને યાદ અપાવવા માગુ છું કે હમાસ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે અને જે પણ તેમને ટેકો આપશે તે માટે તેમની જવાબદારી રહેશે. હુંઆ પ્રદેશમાં વસતા પ્રિયજનોના પરિવારોને આશ્વાસન આપવા માંગું છું. સરકાર ઇઝરાયેલી સત્તાવાળાઓ સાથે ખૂબ જ નજીકથી કામ કરી રહી છે અને યુકેના નાગરિકોને મદદની જરૂર હોય તેને ટેકો આપશે.’’
ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રિટિશ યહૂદીઓએ સોમવાર તા. 9ની સાંજે પીડિતો માટે મીણબત્તીઓ પ્રગટાવવા અને ખોવાયેલા પ્રિયજનો અને બંદીવાન લોકો માટે પ્રાર્થના કરવા માટે વિજિલ કરી હતી.
યુકેના અગ્રણી યહૂદી વિસ્તાર નોર્થ લંડનના ગોલ્ડર્સ ગ્રીનમાં બ્રીજીસ પર અને લંડનની એક યહૂદી શાળાની નજીક લખાયેલ “ફ્રી પેલેસ્ટાઈન” ગ્રેફિટીની પોલીસ તપાસ કરી રહી છે. નેથનેલ યંગ અને બર્નાર્ડ કોવાન સહિત 10 થી વધુ બ્રિટીશ નાગરીકો હુમલાઓને પગલે મૃત કે ગુમ થવાની આશંકા છે.
ક્લેવર્લીએ બીબીસીને કહ્યું હતું કે ‘’યુકેમાં બ્રિટિશ યહૂદીઓની સુરક્ષાના પ્રશ્ન પર સોમવારે વડા પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી ઇમરજન્સી કોબ્રા બેઠકમાં ચર્ચા કરાઇ હતી અને હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન સમુદાયની સલામતી વિશે “ખૂબ જ મજબૂત” અભિગમ ધરાવે છે. શ્રીમતી બ્રેવરમેને ઇંગ્લેન્ડ અને વેલ્સના પોલીસ વડાઓને પત્ર લખીને પેટ્રોલિંગ વધારવા અને તેમની શક્તિઓનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.
કેન્સિંગ્ટન, વેસ્ટ લંડનમાં આવેલી ઈઝરાયેલ એમ્બેસી પાસે હજારોની સંખ્યામાં પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. તેમાં સ્ટોપ ધ વોર અને પેલેસ્ટાઈન સોલિડેરિટી કેમ્પેઈન સહિતના જૂથો હાજર રહ્યા હતા. લોકોએ ફ્લેર સળગાવી ઇઝરાયેલને હિંસાનો અંત લાવવા હાકલ કરતા પ્લેકાર્ડ્સ લહેરાવ્યા હતા.
કેન્સિંગ્ટન હાઈ સ્ટ્રીટ પર ઈમરજન્સી વર્કર પર હુમલો કરવાની શંકાના આધારે 15 વર્ષના છોકરાની તથા વંશીય રીતે પ્રેરિત ગુનાહિત નુકસાનની શંકાના આધારે 70 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. તો ઓક્સફર્ડ સ્ટ્રીટમાં 29 વર્ષીય વ્યક્તિની હુમલો કરવાના અને અપમાનજનક હથિયાર રાખવાની શંકાના આધારે ધરપકડ કરાઇ હતી.
ફોરેન સેક્રેટરીએ યુકેના નાગરિકોને વિનંતી કરી કે જો તેઓ ઇઝરાયેલ છોડવા ઇચ્છતા હોય ઓ તેમણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને ફ્લાઇટ્સ ઉપરાંત મૈત્રીપૂર્ણ રાષ્ટ્રો ઇજિપ્ત અને જોર્ડનથી બહાર નીકળવા જણાવ્યું હતું.
સોમવારે જાહેર કરાયેલા એક સંયુક્ત નિવેદનમાં શ્રી સુનક, યુએસ પ્રમુખ જો બાઇડેન, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ “ઇઝરાયેલ રાજ્યને અડગ અને સંયુક્ત સમર્થન”નું વચન આપ્યું હતું.
વેસ્ટમિન્સ્ટરનો પેલેસ સોમવારે સાંજે ઇઝરાયેલના ધ્વજના રંગોથી ઝગમગી ઉઠ્યો હતો. ઇઝરાયેલ પર હમાસના હુમલા પછી 10 થી વધુ બ્રિટિશ નાગરિકો માર્યા ગયા અથવા ગુમ થયાની આશંકા છે. સરકાર માને છે કે 60,000 જેટલા બ્રિટિશ નાગરિકો ઇઝરાયેલ અથવા ગાઝામાં છે. સરકાર તે પરિવારોને મદદ કરી રહી છે પરંતુ કોઈ સ્થળાંતરનું આયોજન નથી.
યુકેના ચિફ રબ્બાઇ સર એફ્રાઈમ મિરવિસે બીબીસી ન્યૂઝને કહ્યું છે કે ‘’યુકેમાં ભાગ્યે જ કોઈ યહૂદી પરિવાર હશે જે ઇઝરાયેલમાં બન્યું છે તેનાથી એક અથવા બીજી રીતે અસરગ્રસ્ત થયો નથી. સમુદાય માટે ઊંડા શોકનો અને ભારે ચિંતાનો સમય છે. યુકેમાં પણ સુરક્ષાની ખાતરી આપવા માટે તમામ પગલાં લેવાની જરૂર છે. ઘણા લોકો અમારા યહૂદી સમુદાય અને ઇઝરાયેલના લોકો સાથે તેમની સંપૂર્ણ એકતા દર્શાવે છે”.