ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા DGCAએ ફ્લાઇટ ક્રૂના ફરજના સમયગાળા અંગેના ધોરણોમાં ફેરફારોની દરખાસ્ત કરી છે. નવા સૂચિત નિયમો હેઠળ પાઇલટ્સ માટે વધુ આરામની જોગવાઈ કરી છે. ઇન્ડિગોના પાઇલટના મોત પછી તાજેતરના સમયગાળામાં પાઇલટના થકાવટનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે નિયમનકારી સંસ્થાએ નિયમોમાં આ ફેરફારની દરખાસ્ત કરી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ નાઇટ ફ્લાઇટ્સ માટે પાઇલટ્સને સપ્તાહમાં સળંગ 48 કલાકના આરામ તથા ફ્લાઇટ ડ્યુટીનો સમયગાળો 10 કલાક રાખવાની દરખાસ્ત કરી છે. હાલમાં પાઇલટ્સ માટે આરામનો સમયગાળો 36 કલાકનો છે.
નિયમોના મુસદ્દા મુજબ શિડ્યુલ્ડ એરલાઇન્સના ઓપરેશન વડાએ અગાઉના ક્વાર્ટર દરમિયાન મળેલા થકાવટ અને લેવામાં આવેલા પગલાંનો રીપોર્ટ ત્રિમાસિક ધોરણે નિયમનકારી સંસ્થાને સુપરત કરવાનો રહેશે.
નિયમનકારી સંસ્થાએ ડ્યુટી પીરિયડ, ફ્લાઇટ ડ્યુટી પિરિયડ, ફ્લાઇટ ટાઇમ લિમિટેશન અને નિર્ધારિત રેસ્ટ પીરિયડ્સ અંગે ફેરફાર સૂચિત કર્યા છે. આ મુસદ્દા અંગે ચાર ડિસેમ્બર સુધી જાહેર અભિપ્રાય માંગ્યા છે.
ભારતનો સૌથી ઝડપથી વિકસતા નાગરિક ઉડ્ડયન માર્કેટમાં સમાવેશ થાય છે અને વિવિધ એરલાઈન્સે તેમની કામગીરીને વિસ્તૃત કરવાની યોજનાના ભાગ રૂપે વિમાનોના મોટા ઓર્ડર આપ્યા હોવાથી પાઇલટ્સની માગમાં વધારો થશે.