અમેરિકામાં વ્હાઇટ હાઉસ કમિશને ગ્રીન કાર્ડ એપ્લિકેશન પ્રોસેસિંગ સીસ્ટમના પ્રારંભિક તબક્કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન કાર્ડ સહિતનાં જરૂરી મુસાફરી ડોક્યુમેન્ટ્સ ઇસ્યુ કરવાની ભલામણ કરી છે. અમેરિકન પ્રેસિડન્ટ આ પ્રસ્તાવ સ્વીકારશે તો ભારત સહિતના હજારો વિદેશી પ્રોફેશનલ્સને મોટી રાહત મળશે. અત્યારે ગ્રીન કાર્ડનો વેઇટિંગ પિરિયડ દસકાઓ સુધીનો લાંબો હોવાથી આ ભલામણનું વિશેષ મહત્ત્વ છે.
વ્હાઇટ હાઉસ કમિશન ફોર એશિયન અમેરિકન, નેટિવ હવાઇયન અને પેસિફિક આઇલેન્ડર (AANHPI)અફેર્સે તાજેતરમાં આ અંગેની ભલામણને મંજૂરી આપી હતી. ગ્રીન કાર્ડ અમેરિકામાં કાયમી નિવાસી કાર્ડ તરીકે ઓળખાય છે.
ગ્રીન કાર્ડ એપ્લિકેશન પ્રક્રિયામાં ઘણા તબક્કાઓ છે. નોકરીદાતાઓ I-140 અરજીઓ ફાઇલ કરે ત્યારે આ પ્રોસેસ શરૂ થાય છે. કમિશનની આ સપ્તાહે યોજાયેલી બેઠકમાં ઇન્ડિયન અમેરિકન સમુદાયના વડા અજય જૈન ભુટોરિયાએ આ પ્રસ્તાવ મુક્યો હતો. ભુટોરિયા આ કમિશનના સભ્ય પણ છે. તેમણે જણાવ્યું હતું કે વિદેશી પ્રોફેશનલ્સને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન (EAD) અને એડવાન્સ પેરોલ નામના ટ્રાવેલ ડોક્યુમેન્ટ મળે ત્યારે તેઓ તેમની ગ્રીન કાર્ડની અરજી પ્રોસેસમાં હોય ત્યાં સુધી કોઇપણ કંપનીમાં કામ કરી શકે છે.
કમિશને જણાવ્યું હતું કે EB-1, EB-2, EB-3 કેટેગરીમાં I-140 એમ્પ્લોયમેન્ટ આધારિત વિઝા અરજીઓને મંજૂરી મળી છે તથા પાંચ વર્ષ કે તેનાથી વધુ સમયથી વિઝા બેકલોગમાં વેઇટિંગ ચાલુ છે તેવી વ્યક્તિઓને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ ઇસ્યુ કરવા જોઇએ. આ વ્યક્તિઓએ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે અરજી કરી છે કે નહીં તે બાબતને ધ્યાનમાં રાખવી જોઇએ નહીં. EAD અને મુસાફરી દસ્તાવેજોની માન્યતા તેમની ગ્રીન કાર્ડ અરજીના અંતિમ તબક્કાની પ્રક્રિયા ન થાય ત્યાં સુધી હોવી જોઈએ.
દર વર્ષે મર્યાદિત સંખ્યામાં ગ્રીન કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. અત્યારે ગ્રીન કાર્ડ માટે 18 લાખ અરજીઓ પડતર છે. ગ્રીન કાર્ડની અરજીઓનો પ્રોસેસિંગમાં 5થી 20 વર્ષ અને ઘણા કિસ્સામાં 50 વર્ષ લાગે છે, તેથી ઘણા લોકોને ગ્રીન કાર્ડ મળતું જ નથી. આવી સ્થિતિમાં વિદેશી શ્રમિકોએ ઘણા વર્ષો સુધી ઘણીવાર એક જ હોદ્દા પર એક જ કંપનીમાં કામ કરવું પડે છે. ભુટોરિયાના જણાવ્યા મુજબ આ ભલામણોના અમલીથી વિદેશી કર્મચારી કોઇ નિયંત્રણો વગર કંપની બદલી શકશે, ટ્રાવેલ ડોક્યુમેન્ટ મળવાથી સરળતાથી મુસાફરી કરી શકશે અને અમેરિકન એમ્બેસીઓમાં વિઝા એપોઇન્ટમેન્ટનો બેકલોગ ઘટશે.