ભારતના ચૂંટણીપંચે ચૂંટણીપ્રચાર દરમિયાન ઉમેદવારના રોકડ ખર્ચની મર્યાદાને રૂ.10,000થી ઘટાડી રૂ.2,000 કરવાની તાજેતરમાં દરખાસ્ત કરી છે. ઉમેદવારોના ટ્રાન્ઝેક્શનમાં પારદર્શકતા લાવવા માટે આ દરખાસ્ત કરાઈ છે.
તાજેતરમાં સરકારને સુપરત કરેલી દરખાસ્તમાં ચૂંટણીપંચે ભલામણ કરી છે કે ચૂંટણી નિયમોમાં સુધારો કરીને એ સુનિશ્ચિત કરવું જોઇએ કે ચૂંટણી સંબંધિત ખર્ચ માટે વ્યક્તિ અથવા સંસ્થાને કરવામાં આવતા તમામ કેશ પેમેન્ટ એકાઉન્ટ પે ચેક અથવા ઓનલાઇન મારફત થાય.
હાલમાં ઉમેદવારોએ રૂ.10,000થી વધુના તમામ પેમેન્ટ માત્ર ચેક, ડ્રાફ્ટ અથવા બેંક ટ્રાન્સફર મારફત કરવા પડે છે. ઉમેદવારે ઉમેદવારીપત્ર ભરવાના એક દિવસ પહેલા ચૂંટણીખર્ચના હેતુ માટે એક અલગ બેન્ક એકાઉન્ટ ખોલવું પડે છે.
ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરવાની તારીખથી પરિણામની જાહેરાત સુધી રોજબરોજના એકાઉન્ટ્સ, કેશ બુક અને બેંક બુક પણ જાળવવી પડે છે. તેમણે નોમિનેશન ફાઇલ કરવાની તારીખે થયેલા તમામ ખર્ચનો પણ સમાવેશ કરવો પડે છે. ચૂંટણીના પરિણામો જાહેર થયાના 30 દિવસની અંદર ઉમેદવારે ચૂંટણી ખર્ચનો હિસાબ જિલ્લા ચૂંટણી અધિકારી (DEO)ને સબમિટ કરવો પડે છે.
ગયા અઠવાડિયે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરતી વખતે ECએ કહ્યું હતું કે ચૂંટણીની પ્રમાણિકતાની જાળવણીના હેતુ માટે તે ફ્લાઇંગ સ્કવોડ્સ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમોની રચના કરશે. તેનાથી પ્રચારના ખર્ચ, રોકડ કે ભેટનું વિતરણ, ગેરકાયદેસર શસ્ત્રો અને દારુની હેરફેર પર નજર રાખશે.