અદાણી જૂથની માલિકીની અમદાવાદ એરપોર્ટે ICC ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ચાર્ટર ફ્લાઇટ્સ માટે યુઝર ચાર્જમાં તીવ્ર વધારો કરવાની દરખાસ્ત કરી છે. જોકે આ દરખાસ્તનો વિવિધ એરલાઇન્સને ભારે વિરોધ કર્યો અને સરકારની દરમિયાનગીરીની માગણી કરી છે અહીં ઉલ્લેખનીય છે કે વિશ્વકપને કારણે અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર ફ્લાઇટ્સની સંખ્યામાં મોટો વધારો થયો છે અને અદાણી ગ્રૂપ તેનો લાભ લેવા માગે છે.
એરપોર્ટે ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જમાં દસ ગણો વધારો કર્યો છે. એરલાઈન્સે ભારપૂર્વક જણાવ્યું છે કે આ અચાનક વધારો ગેરકાયદેસર છે અને ચાર્ટર સર્વિસ ચલાવવાનું મુશ્કેલ બનશે. શુક્રવારે સાંજે, એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી (AERA)એ એક નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે ઓથોરિટી દ્વારા અધિકૃત ન હોય તેવા ચાર્જ અને ટેરિફ વસૂલવું ગેરકાયદેસર છે. નોટિસમાં AERAએ ધ્યાન દોર્યું હતું કે કેટલાક એરપોર્ટ ઓપરેટરો અનૈતિક આચરણનો આશરો લઈને પરવાનગી લીધા વિના ચાર્જ લાદી રહ્યા છે. તમામ એરપોર્ટ ઓપરેટરોને સૂચના આપવામાં આવી છે કે ઓથોરિટી દ્વારા મંજૂર ન હોય તેવા ચાર્જ વસૂલવાથી દૂર રહે.