ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડીએ) ચીનના બે નાગરિકોએ સ્થાપેલી બેંગલુરુ સ્થિતિ ફેક કંપનીની રૂ.370 કરોડની ડિપોઝિટ ટાંચમાં લીધી હતી. આ રકમ બેન્ક, પેમેન્ટ ગેટવે અને ક્રિપ્ટો એકાઉન્ટમાં હતી. ઇડીએ યલો ટ્યુન ટેકનોલોજી નામની આ કંપનીના વિવિધ સ્થળો પર ત્રણ દિવસથી સર્ચ કાર્યવાહી કરી રહી હતી. આ પછી ડિપોઝિટ ટાંચમાં લેવામાં આવી છે.
મોબાઇલ ફોનના લોન લેન્ડિંગ એપ્સ સામે મની લોન્ડરિંગ તપાસ દરમિયાન ઇડીને આ કંપનીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જાણકારી મળી હતી. ચીનના ફંડ્સને આધારે મોબાઇલ એપ્સ લોન આપતા હતા. આ મોબાઇલ એપ્સ ટૂંકસમયમાં બંધ થઈ ગયા હતા અને નફો બીજી જગ્યાએ વાળવામાં આવ્યો હતો.
તપાસ એજન્સીએ જણાવ્યુ હતું કે ભંડોળનું પગેરું શોધવાની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી એનબીએફસી (નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ) અને તેમની ફિનટેક કંપનીઓ સહિત 23 કંપનીઓએ રૂ.370 કરોડની રકમ યલો ટ્યૂન ટેકનોલોજીના વોલેટમાં જમા કર્યા હતા. આ નાણા ક્રિપ્ટો એક્સ્ચેન્જ ફ્લિપવોલ્ટ ટેકનોલોજીમાં રાખવામાં આવ્યા હતા. આ રકમ ઊંચા વ્યાજની લોનનો નફો હતો.
આવી રીતે ખરીદવામાં આવેલી ક્રિપ્ટો કરન્સી વિવિધ અજાણ્યા વિદેશી વોલેટ્સમાં ટ્રાન્સફર કરાયા હતા. ઇડીએ લાભાર્થી વોલેટો અને લાભાર્થી માલિકે શોધવા માટે યલો ટ્યુન પર દરોડા પાડ્યા હતા. જોકે કંપનીના પ્રમોટર્સનો પતો મળ્યો ન હતો. આ ફેક કંપની સ્થાપના ચીનની નાગરિકો એલેક્સ અને કૈદી (ખરા નામ જાણવા મળ્યા નથી) કરી હતી. ફેક કંપની સ્થાપવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીઓ સાથે સાંઠગાંઠ કરાઈ હતી.
કંપનીના ડમી ડાયરેકર્સના નામ બેન્ક એકાઉન્ટ પણ ખોલાયા હતા. ચીની નાગરિકો ડિસેમ્બર 2020માં ભારત છોડીને ભાગી ગયા હતા. આ પછી ડમી ડાયરેક્ટર્સના ઇન્ટરનેટ બેન્કિંગની માહિતી અને ડિજિટલ સિગ્નેચર્સનો ઉપયોગ કરીને ગુનાની કમાણી કાયદેસર કરાઈ હતી.