સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં આપેલી રાહતને કારણે કોવિડ કટોકટી હોવા છતાં યુકેમાં મકાનોના ભાવોમાં તેજી જણાઇ રહી છે. યુકેમાં મકાનોના ભાવો ગત મહિને એક નવા રેકોર્ડ પર પહોંચ્યા હતા અને ઘરની કિંમત જુલાઇ મહિનાની સામે ઑગસ્ટમાં 1.6% વધીને સરેરાશ £245,747 થઈ છે અને અગાઉના વર્ષની તુલનામાં આ ભાવ વધારો 5.2% વધારે છે.
જો કે લોઇડ્સ બેન્કિંગ ગ્રૂપની હેલિફેક્સે બેન્કે ચેતવણી આપી હતી કે આ મજબૂત ભાવ વૃદ્ધિ કાયમ ચાલુ રહેવાની શક્યતા નથી. કારણ કે બેરોજગારી વધવાની અપેક્ષા છે અને કોવિડ-19 રોગચાળાના કારણે ઘરેલુ કમાણીમાં ઘટાડો થયો છે.
હેલિફેક્સના મેનેજિંગ ડિરેક્ટર રસેલ ગેલે જણાવ્યું હતું કે “ઉનાળા પછીના સમયગાળા દરમિયાન મકાનોના ભાવમાં વધારો થયો છે જેના પાછળ પેન્ટ-અપ ડિમાન્ડ, હોમ વર્કિંગમાં થયેલો વધારો, કેટલાક લોકોની મકાન ખરીદી લેવાની તીવ્ર ઇચ્છા અને સ્ટેમ્પ ડ્યુટીમાં અસ્થાયી રાહત મુખ્ય છે. જો કે આવતા મહિનાઓમાં ફર્લો સહિતના વિવિધ સરકારી સમર્થનનો અંત આવશે અને લેબર માર્કેટ પર રોગચાળાની અસરનું સાચુ સ્વરૂપ બહાર આવશે એટલે સ્થિતી સ્પષ્ટ થઇ જશે. જેથી અમે મધ્યમ ગાળામાં મકાનોના ભાવો વધુ નીચે આવે તેવી અપેક્ષા રાખીએ છીએ.”
એસ્ટેટ એજન્ટોના મતે લોકો મોટી મિલકતો અને ખાસ કરીને દરિયાકાંઠાની અને કન્ટ્રી સાઇડના ઘરોની માંગ છે. રોગચાળાના કારણે બ્રિટન મંદી તરફ દોરાતા ઘણા લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે અથવા ફર્લો થયા છે. બીજી તરફ અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખે છે કે 31મી ઑક્ટોબરના રોજ સરકારની ફર્લો યોજના પૂરી થયા પછી બેરોજગારી ઝડપથી વધશે.
ઇ.આઇ. આઇટમ ક્લબની આગાહી મુજબ 2021ની શરૂઆતમાં ઘરના ભાવમાં 3% ઘટાડો થઇ શકે છે. માર્ચ મહિનાની 1184 મોરગેજ ડીલની સરખામણીએ આજે માત્ર 76 ડીલ્સ ઉપલબ્ધ છે અને તેના પરના ફિક્સ રેટ વધ્યા છે. 90 ટકા લોન-ટુ-વેલ્યુ પરના બે વર્ષના ફિક્સ્ડ મોરગેજનો સરેરાશ વ્યાજ દર પાછલા છ મહિનામાં 2.57% થી વધીને 3.44% થયો છે.