એક જાણીતી અને ભૂતપૂર્વ અમેરિકન લેખિકાએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 1990ના દસકામાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. હવે ડોનાલ્ડ ટ્રમ્પ સામે આ કેસની કાર્યવાહી જ્યૂરીની પસંદગી મુજબ મંગળવારથી શરૂ થશે. 79 વર્ષની લેખિતા ઇ. જીન કેરોલે એવો આક્ષેપ કર્યો હતો કે, ટ્રમ્પે ન્યૂયોર્કના એક ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં તેનાં પર દુષ્કર્મ આચર્યું હતું અને વર્ષો પછી આરોપો સાથે જાહેરમાં તેને બદનામ કરી હતી.
હવે ટ્રમ્પ 2024માં ફરીથી પ્રેસિડેન્ટ પદે ચૂંટાવાની ઇચ્છા ધરાવે છે તે ત્યારે તેની સામે અનેક કાનૂની પડકારો છે. ટ્રમ્પે આ આક્ષેપો ફગાવ્યા છે. 2016ની ચૂંટણી અગાઉ પોર્ન સ્ટારને કરવામાં આવેલી નાણાકીય ચૂકવણી સંબંધિત ક્રિમિનલ આરોપોમાં ટ્રમ્પની ઐતિહાસિક ધરપકડના થોડા અઠવાડિયા પછી તેમની સામે આ ટ્રાયલની શરૂઆત થઇ રહી છે. એલ મેગેઝિનની ભૂતપૂર્વ લેખિકા કેરોલે જણાવ્યું હતું કે, 1990ના દાયકાના મધ્યમાં મેનહટ્ટનમાં વૈભવી બર્ગડોર્ફ ગુડમેન ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં ચેન્જિંગ રૂમમાં ટ્રમ્પે તેનાં પર દુષ્કર્મ આચર્યું હતું. તેણે જણાવ્યું હતું કે, ટ્રમ્પે તેની પાસે ખરીદી માટે સલાહ માગ્યા પછી આ કૃત્ય કર્યું હતું. કેરોલે સૌપ્રથમ 2019માં ન્યૂયોર્ક મેગેઝિન દ્વારા પ્રકાશિત થયેલા તેના પુસ્તકના અંશોમાં આ આક્ષેપ મુક્યો હતો. ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો હતો કે, “તે ક્યારેય કેરોલને મળ્યા નથી, તે મારા જેવી નથી અને તે સંપૂર્ણ ખોટું બોલી રહી છે.”