બે ઓફ બેંગાલ ઇનિશિએટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (BIMSTEC) પ્રોજેક્ટ હેઠળનો બેંગકોકને કોલકાતા સાથે જોડતો ત્રિપક્ષીય હાઇવે આગામી ત્રણથી ચાર વર્ષમાં તૈયાર થઈ જવાની ધારણા છે. આ પૂર્વ એશિયાના વિવિધ દેશોના વેપાર પ્રધાનોએ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) અને વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આયોજિત બિઝનેસ કોન્ક્લેવમાં જણાવ્યું હતું.
થાઈલેન્ડમાં આ હાઈવેનો મોટા ભાગનો હિસ્સો તૈયાર થઈ ગયો છે, જ્યારે મ્યાનમાર અને ભારતમાં હાઈવેનું કામ હજુ બાકી છે. લગભગ ચાર વર્ષમાં આ હાઈવે ખુલી જવાની શક્યતા છે. BIMSTEK યોજનાના ભાગરૂપે ભારતને પૂર્વ એશિયાના દેશો સાથે જોડવા માટે હાઈવે તૈયાર કરવામાં આવશે.
ભારત અને થાઈલેન્ડ વચ્ચે ટ્રાઈલેટરલ હાઈવે બનાવવાનો પ્લાન છે. તે બેંગકોકથી શરૂ થઈને થાઈલેન્ડના સુખોથાઈ તથા મ્યાનમારના રંગુન, મેન્ડેલે, કેલાવા થઈને કોલકાતા સુધી પહોંચશે. આ દરમિયાન તે મોરેહ, કોહિમા, ગુવાહાટી, શ્રીરામપુર, સિલિગુરીમાંથી પણ પસાર થશે. કોલકાતાથી બેંગકોક સુધીના હાઈવેની કુલ લંબાઈ 2800 કિમીથી વધારે હશે. આ હાઈવેનો સૌથી મોટો હિસ્સો ભારતમાં હશે જ્યારે સૌથી નાનો હિસ્સો થાઈલેન્ડમાં હશે.