ટોરોન્ટોમાં રવિવાર, 28 એપ્રિલે આયોજિત ખાલસા દિવસની ઉજવણીમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો તેમજ વિપક્ષી નેતા પિયરે પોઇલીવરની હાજરીમાં ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરાયો હતો. તાજેતરના સમયમાં કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આ ઘટના બની હતી.

વડાપ્રધાન ટ્રુડો ખાલસા દિવસ નિમિત્તે તેમના સંબોધન માટે સ્ટેજ પર જઈ રહ્યા હતાં ત્યારથી લઈને તેઓ સંબોધન કરે ત્યાં સુધી આવા સૂત્રોચ્ચાર થયાં હતાં. આ કાર્યક્રમમાં “ખાલિસ્તાન ઝિંદાબાદ”ના નારા સંભળાયા હતાં. તેમાં એનડીપી નેતા જગમીત સિંહ અને ટોરોન્ટોના મેયર ઓલિવિયા ચાઉ પણ હાજર હતાં.

કેનેડાના વિરોધ પક્ષના નેતા પિયર પોઈલીવરે તેમનું સંબોધન શરૂ કરવા માટે સ્ટેજ પર ગયા ત્યારે પણ આવા સૂત્રોચ્ચાર થયાં હતાં. ઑન્ટેરિયો શીખ એન્ડ ગુરુદ્વારા કાઉન્સિલ (OSGC)ના જણાવ્યા અનુસાર વૈશાખી, (જેને ખાલસા દિવસ પણ કહેવાય છે) 1699માં શીખ સમુદાયની સ્થાપના તેમજ શીખ નવા વર્ષની ઉજવણીનો તહેવાર છે.

ટ્રુડોએ દેશના શીખ સમુદાયને દ્રઢ આશ્વાસન આપતા કહ્યું હતું કે સરકાર તેમના અધિકારો અને સ્વતંત્રતાઓને દરેક કિંમતે સુરક્ષિત રાખવા માટે હંમેશા તૈયાર છે. વિવિધતા કેનેડાની સૌથી મોટી શક્તિઓમાંની એક છે અને દેશ આ વિવિધતાને કારણે મજબૂત છે. દેશ ગુરુદ્વારા સહિત સામુદાયિક કેન્દ્રો અને પૂજા સ્થાનો પર વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને સુરક્ષા અને માળખાકીય કાર્યક્રમોને વધારી રહ્યું છે.

 

LEAVE A REPLY