નેપાળના નવા વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ બન્યા છે. પ્રચંડ ચીન તરફી ગણાતા હોવાથી ભારતની ચિંતા વધી શકે છે. નેપાળમાં નવી સરકાર રચવાને લઈને અનેક ઉથલપાથલ જોવા મળી હતી. તાજેતરમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. પ્રેસિડન્ટના આમંત્રણ પર કેટલીક મોટી પાર્ટીઓ ગઠબંધનને લઈને ચર્ચા-વિચારણા કરી રહી હતી. નવી સરકાર રચવાનો દાવો કરવા માટે આજે છેલ્લો દિવસ હતો.
સીપીએન-એમસી દેબના મહામંત્રી ગુરંગે કહ્યું કે સીપીએન-યૂએમએલ, સીપીએન-એમસી અને અન્ય પક્ષો બંધારણની કલમ 76(2) હેઠળ 165 સાંસદોના હસ્તાક્ષર સાથે પ્રેસિડન્ટ ઓફિસ શીતલનિવાસમાં પ્રચંડ વડાપ્રધાન બને એ માટે દાવો કરવા તૈયરા છે. ગુરંગે કહ્યું કે પ્રેસિડન્ટને દાવો રજૂ કરતું સમજૂતી પત્ર તૈયાર કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન ઓલીના નિવાસસ્થાને યોજાઈ, જેમાં ઓલી ઉપરાંત પ્રચંડ, આરએસપી અધ્યક્ષ રવિ લામિછાને, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર લિંગડેન, જનતા સમન્વયવાદી પાર્ટીના પ્રમુખ અશોક રાય સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા ગઠબંધનને 275 સભ્યોના હાઉસમાં 165 સાંસદોનું સમર્થન મળ્યું છે.