ફ્રાન્સમાં ઓર્લિન્સ માસ્ટર્સ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ સાથે ભારતના પ્રિયાંશુ રાજાવતે રોમાંચક ફાઇનલમાં ડેનમાર્કના મેગ્નસ જોહાન્સનને ત્રણ ગેમમાં હરાવીને ઓર્લિન્સ માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટનો પુરૂષ સિંગલ્સનો ખિતાબ હાંસલ કર્યો હતો. તેણે મેગ્નસ જોહાન્સનને 21-15, 19-21, 21-16થી હરાવ્યો હતો.
68 મિનિટના આ મુકાબલામાં ભારતના 21 વર્ષના યુવા શટલરે ખૂબજ નિયંત્રણપૂર્વકની આક્રમક રમત દાખવી પોતાનું કારકિર્દીનું પ્રથમ મહત્ત્વનું ટાઈટલ પ્રાપ્ત કર્યો હતો. પ્રિયાંશુ ગયા વર્ષની થોમસ કપ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમનો એક યશસ્વી સભ્ય પણ હતો.
આ જ ટુર્નામેન્ટમાં સાઈના નેહવાલ તથા બી. સાઈ પ્રણિથ જેવા પીઢ ખેલાડીઓનો પહેલા રાઉન્ડમાં પરાજય થયો હતો, તો મિથુન મંજુનાથ અને તાન્યા હેમંથ જેવા ઓછા અનુભવી ખેલાડીઓએ પ્રમાણમાં સારો દેખાવ કર્યો હતો.