અમેરિકન યુવકને પરણેલી પ્રિયંકા ચોપરાએ હવે પોતાને ગ્લોબલ સ્ટાર તરીકે સ્થાપિત કરી દીધી છે. હવે તે મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલની ચેરપર્સન બની છે. પ્રિયંકાએ આ માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. દીપિકા પદુકોણે આ પદ એપ્રિલ મહિનામાં છોડી દીધું હતું અને હવે તેના સ્થાને પ્રિયંકા ચોપરાને જવાબદારી સોંપાઇ છે.
પ્રિયંકાની નિયુક્તી પરસ્પર સહમતીથી થઇ છે. તેના ટ્રસ્ટી મંડળમાં નીતા અંબાણી, આનંદ મહેન્દ્ર, ફરહાન અખ્તર, ઇશા અંબાણી, રિતેશ દેશમુખ, સિદ્ધાર્થ રોય કપૂર, વિક્રમાદિત્ય મોટવાણી, ઝોયા અખ્તર અન્ય લોકોનો સમાવેશ થાય છે. પ્રિયંકાએ પોસ્ટમાં ફિલ્મમેકર માર્ટિન સ્કોસેન્સના એક કોટને ટાંક્યો હતો, તેણે લખ્યું હતું કે, ‘હવે આપણે અગાઉથી વધુ એક બીજા સાથે વાત કરવાની જરૂર છે. આપણે કઇ રીતે દુનિયાને સમજી રહ્યા છીએ તે નજરની ચર્ચા કરવાની જરૂર છે. આ માટે હું સિનેમાના માધ્યમને સર્વશ્રેષ્ઠ ગણું છું. તેણે વધુમાં લખ્યું હતું કે, હું આ વિચાર સાથે મારી નવી ભૂમિકા ભજવવા માટે તૈયાર છું. હું જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની ચેર પર્સન બન્યાનો મને આનંદ છે. આ ભારતનો અગ્રણી ફિલ્મ ફેસ્ટિવલ છે. જ્યાં ઉચ્ચ વિચાર રાખનારાઓની ઉત્તમ ટીમ છે. અમે આ ફેસ્ટિવલને નવી રચનાત્મકતા સાથે નવું સ્વરૂપ આપીશું. વરસોથી દુનિયા જે રીતે બદલી છે તેને અનુરૂપ થઇશું. આ નવા અધ્યાય માટે હું ઉત્સાહિત છું.’