કોંગ્રેસનાં શીર્ષસ્થ નેતા પ્રિયંકા ગાંધીએ શનિવારે ગુજરાતના વલસાડમાં જાહેર સભાને સંબોધી હતી. તેમણે તેમના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દેશમાં બેરોજગારી, મોંઘવારી મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. પ્રિયંકાએ એમ પણ કહ્યું કે ભાજપના નેતાઓ વડાપ્રધાન મોદીનું સતત નામ લઈ કહે છે કે, મોદીએ એક ચપટી વગાડી વિશ્વમાં ચાલતા યુદ્ધને રોકી દીધા છે તો મોદી એક ચપટી વગાડી તમને રોજગાર કેમ નથી આપતા. તમને માત્ર પાંચ કિલો રાશન આપવામાં આવે છે, પરંતુ તમારા સંતાનોના ભવિષ્યનું શું, તેમના શિક્ષણ અને રોજગારની ચિંતા કોણ કરશે. પ્રિયંકાએ તેમનાં દાદી અને દેશનાં પ્રથમ મહિલા વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીને યાદ કરતા જણાવ્યું હતું કે, તેઓ જ્યારે પોતાના મતવિસ્તારમાં કે દેશના ખૂણે ખૂણે જતા ત્યારે લોકો તેમને પોતાની સમસ્યા જણાવતા અને તેઓ શાંતિથી સાંભળતા. તેમને ખરાબ ન લાગતું, પરંતુ મોદી સામે તેમના જ નેતાઓ મોઢું ખોલવા તૈયાર નથી. સ્થિતિ શું છે, તમારી સમસ્યા શું છે તે તેમને ખબર જ નથી. પ્રિયંકાએ ઈલેક્ટ્રોલ બોન્ડ અંગે પણ મોદી સરકાર સામે પ્રહાર કર્યા હતા. તેમણે તેને ઉઘાડી લૂંટ કહી હતી. તેમણે કહ્યું હતું કે મોદી સ્ટેજ પર તો એવી રીતે આવે છે જાણે એ તેઓ સુપરમેન હોય, પરંતુ તેઓ સુપરમેન નહીં મોંઘવારીમેન છે.