ન્યૂયોર્ક શહેરમાં 1 મેથી વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઈવેન્ટ માનવામાં આવતીમેટ ગાલા 2023ની શરૂઆત થઈ હતી. જેમાં ઘણી બોલીવૂડ અભિનેત્રીઓએ પણ ભાગ લીધો છે, જેમાંથી એક પ્રિયંકા ચોપરા પણ હતી. તેણે ઈવેન્ટના પ્રથમ જ દિવસે પતિ નિક જોનસ સાથે રેડ કાર્પેટ પર એન્ટ્રી મારી હતી. આ વખતની થીમ ‘કાર્લ લેગરફેલ્ડઃ એ લાઈન ઓફ બ્યૂટી’ હતી, ત્યારે જોનસ દંપત્તીએ દિવંગત ડિઝાઈનર કાર્લ લેગરફેલ્ડને શ્રદ્ધાંજલિ આપતાં તેમના ફેવરિટ બ્લેક કલરના આઉટફિટમાં ટ્વિનિંગ કર્યું હતું. પ્રિયંકા અને નિક તેમની દીકરી માલતી મેરી તેમ જ પાલતુ શ્વાન ડાયેનાને પણ સાથે લઈ ગયા હતા.
પ્રિયંકા ચોપરાના લૂકમાં જો કોઈ વસ્તુ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહી હોય તો તે હતો તેનો હીરાજડિત નેકલેસ છે. તેણે 11.6 કેરેટ ડાયમંડનો નેકલેસ પહેર્યો હતો, જે બુલગારીનો હતો. કહેવાય છે કે આ નેકલેસની કિંમત કરોડો નહીં પરંતુ અરબોમાં છે. મીડિયા રીપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે આ નેકલેસની કિંમત અધધધ… 25 મિલિયન ડોલર (અંદાજે રૂ. 204 કરોડ) છે, તેની મેટ ગાલાની પૂર્ણાહૂતિ પછી હરાજી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનસની લવ સ્ટોરીની શરૂઆત મેટ ગાલાથી જ થઈ હતી. તેઓ દર વર્ષે તેમાં હાજરી આપે છે. 2017 પછી બાદ બંને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને આશરે છ મહિનાના ડેટિંગ બાદ મુંબઈમાં સગાઈ કરી હતી. 2018માં તેમણે રાજસ્થાનમાં હિન્દુ અને ખ્રિસ્તી પરંપરા પ્રમાણે લગ્ન કર્યા હતા. જાન્યુઆરી 2022માં તેમને ત્યાં સરોગસીથી દીકરી માલતી મેરીનો જન્મ થયો હતો.
પ્રિયંકા ચોપરા અત્યારે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી સીરિઝ ‘સિટાડેલ’ના કારણે ચર્ચામાં છે, જેમાં તે લીડ રોલમાં છે. તે ટૂંક સમયમાં ફિલ્મ ‘લવ અગેઈન’માં જોવા મળશે, જેમાં નિક જોનસ કેમિયો કરતો દેખાશે.