પ્રિયંકા ચોપડા જોનસે કહ્યું હતું કે તે જ્યારે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે ફિલ્મમાં હીરોઇન કોને લેવી એ હીરો નક્કી કરતો હતો. પ્રિયંકાએ પોતાનાં ૧૭ વર્ષનાં ફિલ્મી કરીઅરમાં અલગ-અલગ પ્રકારનાં રોલ્સ કર્યા છે. ‘ધ હીરો: લવ સ્ટોરી ઑફ અ સ્પાય’ દ્વારા તેણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે હવે ઇન્ટરનૅશનલ સ્ટાર બની ગઈ છે. બૉલીવુડ વિશે જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મેં જ્યારે કામ કરવાની શરૂઆત કરી હતી ત્યારે અમને કહેવામાં આવતુ હતું કે હીરો જ નક્કી કરશે કે ફિલ્મોમાં હીરોઇન કોને પસંદ કરવી.
આ ૨૦૦૨-૨૦૦૩ની વાત છે. લીડ હીરો જે હોય એ જ આ નિર્ણય લેતો હતો. મને એ વાતની ખાતરી છે કે હજી પણ અનેક ફિલ્મોમાં આવું થતું હશે. જોકે સમયની સાથે લોકો પણ બદલાયા છે. તેઓ હવે લીડ ઍક્ટર્સ કોણ છે એનાં કરતાં કન્ટેન્ટને વધુ મહત્વ આપવાનું પસંદ કર્યું છે. આ જ એક મોટુ પરિવર્તન મેં જોયુ છે.’ કેટલીક એવી ફિલ્મો પણ હતી જેને અમુક ઍક્ટર્સે કરવાથી ના પાડી હતી. જોકે પ્રિયંકાએ એ ફિલ્મોમાં કામ કરીને પોતાનાં કરીઅરનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યુ છે.
એ વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મેં જ્યારે ‘ફૅશન’ કરી તો દરેક જણે મને કહ્યું હતું કે મહિલાઓને જ્યારે તેમનાં કરીઅરની સમાપ્તિમાં અવૉર્ડ જીતવા ઇચ્છતાં હોય ત્યારે નારી-પ્રધાન ફિલ્મો કરતી હોય છે. જોકે મને એ શબ્દથી નફરત છે. ૨૦૦૪માં મેં જ્યારે ‘ઐતરાઝ’ કરી ત્યારે લોકો મને કહેતા હતાં કે તારી ઓળખ એક ‘વૅમ્પ’ તરીકે થશે. સાથે જ મારી સારી ઇમેજવાળી છબી નાશ પામશે. જોકે મને એ વિશે કંઈ જાણ નહોતી. એથી મેં એ ફિલ્મો કરી હતી. એ વખતે મને શીખવાડનારુ કોઈ નહોતુ.