બોલીવૂડમાં ‘દેશી ગર્લ’ તરીકે જાણીતી બનેલી પ્રિયંકા ચોપરા હવે ધીરે ધીરે હોલિવૂડમાં વ્યસ્ત બની રહી છે. લગ્ન કરીને તે અમેરિકામાં સ્થાયી થઇ છે પરંતુ તે અવારનવાર કામકાજ માટે ભારતની મુલાકાત લેતી રહે છે. તાજેતરમાં યુનિસેફની એક ઈવેન્ટમાં ભાગ લેવા અને તેની નવી મહિલા કેન્દ્રિત ફિલ્મ વિશે ડેટ્સ ફાઈનલ કરવા ભારત આવેલી પ્રિયંકાએ તેના અપિરિયન્સથી મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું અને ગણતરીના દિવસોમાં જ તે અમેરિકા પતિ નિક જોનાસ અને બાળકી જોડે પરત ફરી હતી.
પ્રિયંકાએ નવા ફિલ્મ સ્ટાર્સના નખરા સામે વાંધો ઊઠાવી તેમને મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી. ભારતમાં એક ઈવેન્ટમાં ભાગ લેતા સમયે પ્રિયંકાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, લોકો એક્ટર્સને ઘણું વધારે મહત્વ આપે છે. એક્ટર્સનો રોલ ફિલ્મમાં ઘણો મર્યાદિત હોય છે. બેસ્ટ ફિલ્મ મેકર્સની સાથે કામ કરીને જ કોઈપણ એક્ટર સારો બની શકે છે. જો તમે ખરેખર જુઓ તો, એક્ટર તરીકે અમે કશું નથી કરતા. એક્ટર્સને ઘણી વધારે ક્રેડિટ આપવામાં આવે છે, જેના તેઓ હકદાર નથી હોતા. અમે જે સ્ક્રિપ્ટ પર કામ કરીએ છીએ તે કોઈ બીજું લખે છે. ફિલ્મના ગીતો કોઈ બીજું બનાવે છે અને ગાય છે. અમારા કપડાં પણ બીજાના હોય છે અને અમને તૈયાર પણ કોઈ બીજું કરે છે. અમે તો ફક્ત હોઠ ફફડાવીને ગીત પર પરફોર્મ કરીએ છીએ અને યાદ કરેલા ડાયલોગ બોલીએ છીએ.
આ સાથે જ તેણે ઉમેર્યું હતું કે, એક્ટર્સ કરતાં તો રાઈટર્સ, ડિરેક્શન ટીમ, કોરિયોગ્રાફર, મેકઅપ આર્ટિસ્ટ, સિનેમેટોગ્રાફર્સ અને પ્રોડક્શનના માણસો વધુ કામ કરે છે. અમે તો ફક્ત સિનેમા સ્ક્રીન પર ગણતરીની મિનિટો માટે નજર આવીએ છીએ અને લોકો તેની વાહવાહી કરે છે. સ્ટારડમ આવી જતાં જ એક્ટર્સના નખરાં પણ શરુ થઈ જાય છે જે ખોટું છે. સારા ફિલ્મ મેકર્સ સાથે કામ કરવાની તક મળવી તે દરેક એક્ટર્સ માટે સોનેરી તક હોય છે.