ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જાહેર સાહસોના ખાનગીકરણના અંગે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે જે ક્ષેત્રોમાંમાં સરકારની હાજરી અનિવાર્ય નહીં હોય એ બધા જ ક્ષેત્રોમાં ખાનગીકરણ થશે.
મોદીએ કહ્યું હતું કે દેશને પહેલી વખત નિર્ણાયક સરકાર મળી છે. તેના કારણે એક પછી એક મહત્વના નિર્ણયો લેવાઈ રહ્યા છે. એર ઈન્ડિયાનું ખાનગીકરણ એ સરકારની પ્રતિબદ્ધતા અને ગંભીરતાનો દાખલો છે. જે ક્ષેત્રમાં સરકાર અનિવાર્ય રીતે જરુરી નહીં હોય એનું ખાનગીકરણ આગામી સમયમાં પણ ચાલુ રખાશે.
તેમણે ઉમેર્યું હતું કે સરકાર એક સ્પષ્ટ નીતિ સાથે ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. ખાનગીકરણથી લોકોને સુવિધાજનક વાતાવરણ મળશે. ભારત કોઈથી પાછળ નથી એવું સાબિત થતું જાય છે. સ્પેસ સેક્ટરથી મેપિંગ બહેતર બનશે. ઈમેજિંગ અને કનેક્ટિવિટીની સુવિધા સુધરશે. ઉદ્યોગજગતને પણ તેનો ફાયદો થશે. શિપમેન્ટથી લઈને ડિલિવરી સુધીની સર્વિસમાં ઝડપ આપશે.