સરકારનું કામ બિઝનેસ કરવાનું નથી તેવા ભારતના વડાપ્રધાનના નિવેદન બાદ કોર્પોરેટ ઇન્ડિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે વ્યૂહાત્મક સિવાયના ક્ષેત્રોના ખાનગીકરણથી રસપ્રદ તકો ખૂલશે અને રોજગારીનું સર્જન થશે. તેનાથી દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને પણ વેગ મળશે.
ભારતના કોર્પોરેટ જગતે જણાવ્યું હતું કે ખાનગીકરણના અસરકારક અમલીકરણ માટે રૂપરેખા બનાવવી જોઇએ તથા નિયમનકારી અને કાનૂની અવરોધને કારણે આ પ્રક્રિયા ખોરવાઈ જવી જોઇએ નહીં.
ભારતના ઉદ્યોગના મહામંડળ ફિક્કીના પ્રેસિડન્ટ ઉદય શંકરે જણાવ્યું હતું કે ખાનગીકરણ પ્રોગ્રામના અમલીકરણની જવાબદારી ધરાવતા સરકારી અધિકારીઓએ સાવધ અભિગમ અપનાવવો જોઇએ, જેથી તેમના નિર્ણય અંગે આશંકા ન જન્મે. એસેટની ક્વોલિટી પણ આ પ્રક્રિયાની વિશ્વસનીયતા જેટલી મહત્ત્વની છે. આ પ્રક્રિયા પારદર્શક અને મુક્ત હોવી જોઇએ તથા નિર્ધારિત મહેતલમાં થવી જોઇએ.
મોદીએ બુધવારે જણાવ્યું હતું કે સરકારનું કામ બિઝનેસ કરવાનું નથી તેમની સરકાર ચાર વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ઓછામાં ઓછા સરકારી સાહસો સિવાયના તમામ સરકારી સહાસોનું ખાનગીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારનું કામ બિઝનેસ કરવાનું નથી તેવા ઇરાદા સાથે કેન્દ્ર સરકારની નીતિ જાહેર સાહસોના મોનેટાઇલ (ખાનગીકરણ) અથવા મોડર્નાઇઝ કરવાનો છે.
એસોચેમના સેક્રેટરી જનરલ દીપક સૂદે જણાવ્યું હતું કે સરકારનું કામ બિઝનેસ કરવાનું નથી તેવા તેમના નિવેદનથી નીતિનિર્ધારકોના મનમાં કોઇ શંકા રહેતી નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વડાપ્રધાનના મજબૂત સંકેતથી ઇચ્છનીય પરિણામ હાંસલ કરી શકાશે. સૂદે જણાવ્યું હતું કે વ્યૂહાત્મક સિવાયના ક્ષેત્રોમાં ખાનગીરકરણની પ્રક્રિયાથી વૃદ્ધિની પુષ્કળ તક ઊભી થશે. તેનાથી લોકોની આકાંક્ષા પૂરી કરી શકાશે અને ભારત 5 ટ્રિલિયનના અર્થતંત્રનો લક્ષ્યાંક હાંસલ કરી શકશે.