અમેરિકામાં બીજા નંબરના સૌથી મોટા ઇમિગ્રન્ટ ગ્રુપ – ઇન્ડિયન અમેરિકન્સ નિયમિત રીતે ભેદભાવ અને ધ્રુવીકરણનો ભોગ બની રહ્યા છે, તેવું એક સર્વેના બુધવારે જાહેર થયેલા તારણોમાં જણાવાયું છે.
‘સોશિયલ રીઆલિટીઝ ઓફ ઇન્ડિયન અમેરિકન્સઃ રીઝલ્ટ્સ ફ્રોમ ધ 2020 ઇન્ડિયન અમેરિકન એટીટ્યૂડ્સ સર્વે’ રીપોર્ટમાં ઇન્ડિયન અમેરિકન એટિટ્યૂડસ સર્વે (IAAS) પર ધ્યાન દોરવામાં આવ્યું છે, જે કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ, જોન્સ હોપકિન્સ – SAIS અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સહયોગમાં કરાયો હતો.
એક નિવેદનમાં જણાવ્યા મુજબ આ રીપોર્ટના તારણો અમેરિકામાં વસતા 1200 ઇન્ડિયન અમેરિકન્સના ઓનલાઇન સર્વે પ્રતિભાવો ઉપર ઉપર આધારિત છે. તે ગત વર્ષે 1થી 20 સપ્ટેમ્બર દરમિયાન સંશોધન અને વિશ્લેષક ફર્મ-યુગોવના સહયોગથી હાથ ધરવામાં આવ્યો હતો.
રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઇન્ડિયન અમેરિકન્સ નિયમિત રીતે ભેદભાવનો ભોગ બનતા રહ્યા છે. દર બેમાંથી એક ઇન્ડિયન અમેરિકનને છેલ્લા એક વર્ષમાં ભેદભાવનો અનુભવ થયાની જાણ કરી છે. આ ભેદભાવ તેમના ચામડીના રંગના આધારે કરવામાં આવે છે, જે પક્ષપાત દર્શાવવાની સૌથી સામાન્ય ઓળખ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે અમેરિકામાં જન્મેલા ઇન્ડિયન અમેરિકન્સે વિદેશમાં જન્મેલા તેમના સમકક્ષોની સરખામણીએ ભેદભાવનો બન્યાનું જાહેર કરવાની સંભાવના વધુ છે.
રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઇન્ડિયન અમેરિકન્સમાં તેમના સમુદાયમાં લગ્નનું પ્રમાણ ખૂબ જ ઉંચું જણાયું છે.
સર્વેમાં ઉત્તર આપનાર દર 10માંથી આઠના જીવનસાથી ભારત વંશીય છે. તેની તુલનાએ અમેરિકામાં જન્મેલા ઇન્ડિયન અમેરિકન્સમાં આ પ્રમાણ ચાર ગણું વધારે છે, પણ તે અમેરિકામાં જ જન્મેલા હોવાની શક્યતા વધુ છે. સર્વેમાં જણાયું છે કે, ઇન્ડિયન અમેરિકન્સના જીવનમાં ધર્મ મુખ્ય ભૂમિકા ભજવે છે, પરંતુ તેમની ધાર્મિક પરંપરાઓ જુદીજુદી છે. અંદાજે ત્રણ-ચતુર્થાંસ ઇન્ડિયન અમેરિકન્સ કહે છે કે, તેમના જીવનમાં ધર્મ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પણ ધાર્મિક પરંપરાઓ ઓછી નિભાવે છે.
40 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું કે તેઓ દિવસમાં ઓછામાં ઓછી એકવાર પ્રાર્થના કરે છે અને 27 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ અઠવાડિયામાં એકવાર ધર્મકાર્યમાં ભાગ લે છે.
આ રીપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, અંદાજે અડધા હિન્દુ ઇન્ડિયન અમેરિકન્સ તેમની જાતિને કારણે ઓળખાય છે. વિદેશમાં જન્મેલા ઉત્તરદાતાઓ અમેરિકામાં જન્મેલા ઉત્તરદાતાઓ કરતા જાતિગત ઓળખ વધારવા માટે નોંધપાત્ર સંભાવના ધરાવે છે. જાતિની ઓળખ આગળ કરતા હિન્દુઓ બહુમતીમાં છે. તેઓ 10માં આઠથી વધુ છે. તેઓ પોતાને સામાન્ય અથવા ઉચ્ચ જાતિની શ્રેણીના હોવાનું ઓળખાવે છે. રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઇન્ડિયન અમેરિકન્સ વચ્ચે ધ્રુવીકરણ અમેરિકન સમાજમાં વ્યાપક વલણો પ્રતિબિંબિત કરે છે. વ્યક્તિગત કક્ષાએ ધાર્મિક ધ્રુવીકરણ ઓછું છે અને ભારત-અમેરિકા બંનેમાં રાજકીય પ્રાથમિકતાઓ સાથે જોડાયેલું વિભાગીય ધ્રુવીકરણ વધુ છે. આ વાત, કોંગ્રેસના સમર્થકોની સાથેસાથે ભાજપના સમર્થકો માટે પણ એટલી જ સાચી છે.
અમેરિકાની કુલ વસ્તીમાં ઇન્ડિયન અમેરિકન્સની સંખ્યા એક ટકા કરતા થોડીક જ વધુ છે, અને નોંધાયેલા તમામ મતદારો કરતા એક ટકાથી ઓછી છે. અમેરિકામાં ભારતીય મૂળના લોકો બીજા નંબરનું સૌથી મોટું ઇમિગ્રન્ટ જૂથ છે. 2018ના આંકડા અનુસાર અમેરિકામાં 4.2 મિલિયન ભારતીય મૂળના લોકો વસે છે.