કોરોના વાઈરસનો ફેલાવો રોકવા અને રાષ્ટ્રવ્યાપી નિયંત્રણો હળવા કરવા માટેના વધુ પગલાં તરીકે આ શુક્રવાર તા. 24થી ઇંગ્લેન્ડમાં દુકાનો, સુપરમાર્કેટ્સ, શૉપિંગ સેન્ટર્સ, બેંકો, હાઉસિંગ સોસાયટીઝ, પોસ્ટ ઑફિસ અને ટ્રાન્સસ્પોર્ટ હબ્સ જેવા કે ઇન્ડોર ટ્રેન સ્ટેશન, ટર્મિનલ્સ, એરપોર્ટ્સ, દરિયાઇ બંદરો, ઇન્ડોર બસ અને કોચ સ્ટેશન જેવી બંધ જાહેર જગ્યાઓમાં ચહેરો ઢંકાય તેવા માસ્ક પહેરવા કે ચહેરો ઢાંકી રાખવાનું ફરજીયાત બની ગયું છે.
લોકડાઉન ઉઠાવવા માટેનું આ નવું પગલું જરૂરી છે અને જનતાને તેનો ભાગ ભજવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.નવા નિયમો હેઠળ લોકો નાક અને મોઢું ઢાંકવા માટે કાપડના દુપટ્ટા, સ્કાર્ફ, રૂમાલ કે માસ્કનો ઉપયોગ કરી શકાશે. લોકોને વારંવાર હાથ ધોવા અને સાવચેત રહીને સામાજિક અંતર જાળવવા અપીલ કરવામાં આવી છે.
પરંતુ આ નિયમોમાંથી રેસ્ટોરાં, પબ, હેરડ્રેસર અને અન્ય ટ્રીટમેન્ટ સલુન્સ, જીમ અને લીઝર સેન્ટર્સ, સિનેમા, કોન્સર્ટ હોલ અને થિયેટરોને મુક્તિ અપાઈ છે.
કાફે અને દુકાનમાંથી ટેકઅવે તરીકે ખાવા પીવાનુ ખરીદતી વખતે ચહેરો ઢાંકવો ફરજિયાત રહેશે. પરંતુ ત્યાં બેસીને ખાવું હશે તો ચહેરા પરનો માસ્ક દૂર કરી શકાશે. 11 વર્ષથી ઓછી ઉંમરના બાળકને, અસક્ષમ અથવા શ્વસન કે અન્ય બીમારી ધરાવતા લોકોને પણ માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
માસ્કનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ચેપ લાગવાની શક્યતા નહિંવત રહે છે. ચહેરાને ઢાંકવાની જવાબદારી વ્યક્તિઓ પર નિર્ભર છે.
બિઝનેસીસને પણ ગ્રાહકોને કાયદાનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવા વાજબી પગલાં ભરવા જણાવાયું છે જેમાં નિશાનીઓ મૂકવા અને સ્ટોરમાં અન્ય માહિતી આપવા વિનંતી કરવામાં આવી છે.હેલ્થ એન્ડ સોશ્યલ સેક્રેટરી મેટ હેન્કોકે કહ્યું હતું કે ‘’જાહેર જનતા માટેના પ્રતિબંધો હળવા કરવા આગલા તબક્કામાં આગળ વધવા, સુરક્ષિત રીતે ખરીદી કરવા અને ઉનાળામાં રીટેઈલ ઉદ્યોગનો સૌથી વધુ ઉપયોગ કરવા આ જરૂરી છે. દરેક વ્યક્તિએ વાઈરસ સામે લડવામાં ભૂમિકા નિભાવવી જોઈએ. જનતાનો બલિદાન બદલ આભાર માનું છું.”
નિયમોનું પાલન નહીં કરનારને પોલીસ £100 સુધીનો દંડ કરી શકે છે. પોલીસ આ રોગચાળા દરમ્યાન ખૂબ જ સ્પષ્ટ હતી કે તેઓ પહેલા લોકો સાથે “વાત કરશે, સમજાવશે, પ્રોત્સાહિત કરશે અને છેલ્લે દંડ કરશે”.
લોકોને ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે કે માસ્ક પહેરતા પહેલા તેઓ હાથ ધુએ અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરે. માસ્ક ઉતારવાનું ટાળવું અને તેને ફરીથી પહેરવાના હો તો તેને પ્લાસ્ટિકની થેલીમાં મૂકો. આંખો, નાક અથવા મોઢાને સ્પર્શ કરવાનું ટાળો.