42 વર્ષીય પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટન પેટની સર્જરી બાદ બે સપ્તાહના રોકાણ બાદ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે.
કેન્સિંગ્ટન પેલેસે સોમવારે જણાવ્યું હતું કે, ‘’પ્રિન્સેસને 16 જાન્યુઆરીએ આયોજિત ઓપરેશન માટે લંડન ક્લિનિકમાં દાખલ કરાયા હતા અને ઓપરેશન બાદ તેઓ “સારી પ્રગતિ કરી રહ્યાં છે. પ્રિન્સ અને પ્રિન્સેસ લંડન ક્લિનિકની સમગ્ર ટીમ, ખાસ કરીને સમર્પિત નર્સિંગ સ્ટાફનો, તેમણે આપેલી સંભાળ માટે ખૂબ ખૂબ આભાર કહેવા માંગે છે. વેલ્સ પરિવાર વિશ્વભરમાંથી તેમને મળેલી શુભકામનાઓ માટે આભારી છે.”
પ્રિન્સેસ કેટની સ્થિતિની ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ પેલેસે અગાઉ કહ્યું હતું કે તે કેન્સરથી સંબંધિત નથી. પ્રિન્સ ઑફ વેલ્સ વિલિયમ પત્ની કેટ અને તેમના ત્રણ બાળકોની સંભાળ રાખવા માટે તેની શાહી ભૂમિકામાંથી અસ્થાયી રૂપે પાછા હટી ગયા છે.
વડા પ્રધાન ઋષિ સુનકે સમાચારનું સ્વાગત કરતાં પત્રકારોને જણાવ્યું હતું કે, “તે શાહી પરિવાર અને લોકો માટે વધુ વ્યાપક આવકારદાયક સમાચાર હશે.”