પ્રિન્સ વિલિયમ-ડ્યૂક ઓફ કેમ્બ્રિજે વિન્ડર કાસલમાં તેમના 96 વર્ષીય દાદી ક્વીન એલિઝાબેથ દ્વિતીયની નજીકના કોટેજમાં રહેવા જવાનું આયોજન કર્યું છે. યુકેના મીડિયા રીપોર્ટ અનુસાર અહીં રાજવી પરિવારમાં ફરજ બજાવતા અધિકારીઓ પણ રહે છે. બ્રિટિશ રાજવી પરિવારના બીજા નંબરના સીધા વારસદાર પ્રિન્સ વિલિયમ 21 જુનના રોજ 40 વર્ષના થયા છે. પ્રિન્સ પત્ની કેટ મિડલટન, ત્રણ બાળકો- પ્રિન્સ જ્યોર્જ (8), પ્રિન્સેસ શાર્લોટ (7) અને પ્રિન્સ લૂઇસ (4) સાથે સપ્ટેમ્બરમાં તેમની સ્કૂલનું નવું સત્ર થાય ત્યાં સુધીમાં નવા ઘરમાં રહેવા જશે. એક અખબારી રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે એડિલેઇડ કોટેજમાં ચાર બેડરૂમના નવા ઘરમાં તેમની સાથે કર્મચારીઓ રહેશે નહીં, આ ઘર રાણીના પોતાના ઘરથી ખૂબ જ નજીક છે. આ યુવા રાજવી દંપતી અત્યારે લંડનમાં કેન્સિંગ્ટન પેલેસમાં રહે છે અને તેમણે બર્કશાયરમાં નવા ઘરમાં જવાનો નિર્ણય કર્યો છે, જ્યાં નજીકમાં બકલબરી ખાતે કેટનું પોતાનું મિડલટન પરિવાર પણ રહે છે. આ રોયલ એસ્ટેટમાં રહેવા માટે સુરક્ષામાં દેશના નાગરિકોના વધારા ટેક્સનો ઉપયોગ કરવો પડશે નહીં અને કહેવાય છે કે, આ દંપતી તેમની આ અંગત પ્રોપર્ટી-ક્રાઉન એસ્ટેટનું ભાડું પોતે ભરશે. આ રાજવી દંપતી સાથે જોડાયેલા સૂત્રએ જણાવ્યું હતું કે, વિન્ડસર ખાતેના નવા ઘરમાં પોતાનું નવું જીવન શરૂ કરવા માટે કેટ અને વિલિયમ ખૂબ જ આતુર છે.