ડ્યૂક ઑફ ઍડિનબરા પ્રિન્સ ફિલીપને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી દ્વારા શ્રધ્ધાંજલિ આપતાં જણાવવામાં આવ્યું હતું કે ‘’પ્રિન્સ ફિલીપના અવસાનથી અમે સહુ ઊંડા શોકની લાગણી અનુભવીએ છીએ. એમનું જીવન સેવા અને કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત હતું અને છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ જૈન સમાજના એક મજબૂત સહાયક અને શુભેચ્છક બની રહ્યા હતા. તેમના આવસાનથી રાષ્ટ્રને ઘણી મોટી ખોટ પડશે.’’
ત્રીસ જેટલાં અગ્રણી સ્કોલરોએ તૈયાર કરેલું જૈન ધર્મનાં મૂલ્યો અને જીવનપદ્ધતિ કઈ રીતે પર્યાવરણ સાથે સંવાદિતા ધરાવે છે, તે દર્શાવતું પુસ્તક ‘ધ જૈન ડેકલેરેશન ઓફ નેચર’ વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર ઈન્ટરનેશનલના પ્રેસિડેન્ટ પ્રિન્સ ફિલીપને 1990માં વિશ્વભરના 21 જૈન અગ્રણીઓ અને સ્કોલરો દ્વારા બકિંગહામ પેલેસમાં એનાયત કર્યું હતું.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના નેજા હેઠળ 1995માં લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં જૈન આર્ટના પહેલા એક્ઝિબિશનનો શુભારંભ પણ પ્રિન્સ ફિલીપે કર્યો હતો.
1991માં બ્રિટિશ લાયબ્રેરીમાં આવેલી જૈન હસ્તપ્રતોનું કેટલોગ બનાવવાનું કાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીએ શરૂ કર્યું. જેને બર્લિન યુનિવર્સિટીના પ્રો. ચંદ્રભાલ ત્રિપાઠી, સોરબોન યુનિવર્સિટીના પ્રો. નલિની બલબીર, અમદાવાદના સ્કોલર ડૉ. કનુભાઈ શેઠ અને ડૉ. કલ્પનાબહેન શેઠ દ્વારા તૈયાર કરાયું હતું અને
2007માં આ કેટલોગનું બકિંગહામ પેલેસમાં વિમોચન કરાયું હતું.