બકિંગહામ પેલેસે જાહેરાત કરી છે કે ક્વીન એલિઝાબેથ દ્વિતીયના પતિ અને ડ્યુક ઑફ એડિનબરા પ્રિન્સ ફિલિપ 99 વર્ષની વયે અવસાન પામ્યા છે. 1947માં પ્રિન્સેસ એલિઝાબેથ સાથે તેમણે લગ્ન કર્યા હતા અને તેના પાંચ વર્ષ પછી તેઓ મહારાણી બન્યા હતા. બ્રિટીશ ઇતિહાસમાં સૌથી લાંબી સેવા આપતા મહારાણીના પતિ હતા. તેમનું લગ્નજીવન 73 વર્ષ જેટલું સુદિર્ઘ રહ્યું હતું.
બકિંગહામ પેલેસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “ખૂબ જ દુ:ખ સાથે જણાવવાનું કે હર મેજેસ્ટી મહારાણીએ તેમના પ્રિય પતિ, હીસ રોયલ હાઇનેસ ધ પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબરાના મૃત્યુની ઘોષણા કરી છે. તેઓ આજે સવારે વિન્ડસર કાસલ ખાતે શાંતિપૂર્વક અવસાન પામ્યા હતા.”
ગયા મહિને, ડ્યુક ઑફ એડિનબરા સારવાર માટે એક મહિનો હોસ્પિટલમા રોકાયા બાદ તેમને ગયા અઠવાડીયે રજા આપી હતી. લંડનની અન્ય એક હોસ્પિટલ – સેન્ટ બર્થોલમ્યુઝમાં હ્રદયની પૂર્વ-સ્થિતિની પ્રક્રિયા માટે તેમને સારવાર અપાઇ હતી.
પ્રિન્સ ફિલિપ અને મહારાણીને ચાર બાળકો, આઠ પૌત્રો અને 10 પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ હતા.
તેમના પહેલા દીકરા, પ્રિન્સ ઑફ વેલ્સ, પ્રિન્સ ચાર્લ્સનો જન્મ 1948માં થયો હતો, ત્યારબાદ તેની બહેન પ્રિન્સેસ રોયલ પ્રિન્સેસ એનનો 1950માં; ડ્યુક ઑફ યોર્ક પ્રિન્સ એન્ડ્રુનો 1960માં અને અર્લ ઑફ વેસેક્સ પ્રિન્સ એડવર્ડનો 1964માં જન્મ થયો હતો.
પ્રિન્સ ફિલિપનો જન્મ ગ્રીક ટાપુ કોર્ફુ પર તા. 10 જૂન 1921ના રોજ થયો હતો. તેમના પિતા ગ્રીસ અને ડેનમાર્કના પ્રિન્સ એન્ડ્ર્યુ હતા, જે હેલેન્સના રાજા જ્યોર્જ પ્રથમના નાના પુત્ર હતા. તેમની માતા, પ્રિન્સેસ એલિસ, લોર્ડ લૂઇસ માઉન્ટબેટનની પુત્રી અને મહારાણી વિક્ટોરિયાની ગ્રેટ-ગ્રાન્ડ ડોટર હતી.
વડા પ્રધાન બોરિસ જોન્સને અંજલિ આપી
દેશના વડા પ્રધાન બોરિસ જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટમાં કહ્યું હતું કે ‘’ “ખૂબ જ દુ:ખ સાથે ડ્યુકના મૃત્યુના સમાચાર મળ્યા છે. પ્રિન્સ ફિલીપે અસંખ્ય યુવાનોના જીવનને પ્રેરણા આપી છે. તેમણે રોયલ ફેમિલી અને રાજાશાહીને આગળ વધારવામાં મદદ કરી હતી જેથી તે આપણા રાષ્ટ્રીય જીવનના સંતુલન અને સુખ માટે નિર્વિવાદપણે મહત્વપૂર્ણ સંસ્થા બની શકે. પ્રિન્સ ફિલિપે અહીં યુનાઇટેડ કિંગડમ, કોમનવેલ્થ અને સમગ્ર વિશ્વમાં પેઢીઓનો સ્નેહ મેળવ્યો છે. તેઓ ઇતિહાસમાં સૌથી લાંબી સેવા આપનાર જીવનસાથી હતા. બીજા વિશ્વયુદ્ધમાં લડનાર પૈકી બચેલા છેલ્લા લોકોમાંના એક હતા.
સ્કોટલેન્ડ તરફથી સંવેદના
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનીસ્ટર નિકોલા સ્ટર્જનને શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’ડ્યુકના મોતથી હું દુ: ખી છું. તેણીએ ટ્વિટ કર્યું: “હું મારો વ્યક્તિગત અને સ્કોટલેન્ડના લોકો વતી મારો હ્રદયપૂર્ણ અને ગહન શોક વ્યક્ત કરૂ છું અને મેજેસ્ટી ધ ક્વીન અને તેમના પરિવારને શ્રધ્ધાંજલિ પાઠવું છું.”