બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેઘન મર્કલે રવિવારના અખબારી અહેવાલોનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, અમેરિકા સરકાર તેમનો સુરક્ષા ખર્ચ ભોગેવ તેવી એમની અપેક્ષા પણ નથી અને તેઓએ પોતાની રીતે પોતાના માટે ખાનગી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી પણ લીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જણાવ્યું છે કે, બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેઘન મર્કેલની સુરક્ષાનો ખર્ચ નહીં ભોગવે, હેરી અને મેઘને પોતે જ આ ખર્ચ ભોગવવો પડશે.
બ્રિટનનું એક વખતનું આ રાજવી દંપતી કેનેડા છોડી હવે અમેરિકામાં સ્થાયી થવાનું છે. આ દંપતીએ આ વર્ષની શરૂઆતમાં જ રાજવી પરિવાર છોડવાની જાહેરાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટમાં જણાવ્યું છે કે, ‘હું બ્રિટન અને તેમની મહારાણીનો સારો મિત્ર અને પ્રશંસક છું. રાજવી પરિવારથી અલગ થઈ હેરી અને મેઘને હવે કેનેડા છોડી દીધું છે. જોકે, અમેરિકા તેમની સુરક્ષાના ખર્ચનો બોજ ઉઠાવી શકે તેમ નથી. તેમણે તે ખર્ચ ચૂકવવો પડશે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા આ રાજવી દંપતીની સુરક્ષાનો અંદાજિત ખર્ચ વર્ષે એક મિલિયન ડોલર ભોગવી શકે તેમ નથી. કોરોના વાઇરસની મહામારી ફેલાવાના પગલે આ પ્રિન્સ હેરી અને મેઘન કેલિફોર્નિયા આવ્યા છે. છ પાનાના એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ, ટ્રમ્પ અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બંને દેશોની સરહદો બંધ કરવાની જાહેરતા કરી તેના પગલે આ દંપતી તેમનું 24 મિલિયન ડોલરની કિંમતનું કેનેડાનું ઘર છોડી લોસ એન્જલસ વિસ્તારમાં પહોંચી ગયા છે.
આ વર્ષની શરૂઆતમાં પ્રિન્સ હેરીએ રાજવી પરિવાર છોડવાના સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી ઘટનાક્રમ અંગે દુઃખ જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમની પાસે કોઇ વિકલ્પ નથી. આ સમજૂતી મુજબ પ્રિન્સ હેરી અને મેઘને રાજવીનો દરજ્જો છોડવાનો છે અને તેઓ પોતાના જવાબદારીઓ માટે જાહેર નાણાંનો ઉપયોગ પણ નહીં કરી શકે. એક અખબારી અહેવાલ મુજબ પ્રિન્સ હેરીના ભાઇ પ્રિન્સ વિલિયમે આ અંગે જણાવ્યું હતું કે, તેમનો અને હેરીનો માર્ગ અલગ થઇ ગયો છે. માતા પ્રિન્સેસ ડાયનાના મૃત્ય પછી બંને ભાઇ એકબીજાની ખૂબજ નજીક હતા તે સ્થિતિ હવે નથી રહી.