બકિંગહામ પેલેસે ડ્યુક હેરી અને ડચેસ ઑફ સસેક્સ મેગન સાથેના શાહી પરિવાર વચ્ચેના સંબંધ વિચ્છેદ કરવાનું શરૂ કર્યું જણાય છે. નવા સંબંધોની એક વર્ષની લાંબાગાળાની સમીક્ષાના પ્રથમ ચરણમાં બકિંગહામ પેલેસમાં આવેલી દંપતીની ઓફિસ આવતા મહિનાના અંતે બંધ થશે. હેરી અને મેગન હવે શાહી પરિવારના વરિષ્ઠ સભ્ય નહીં રહે અને 31 માર્ચથી તેઓ મહારાણીનું પ્રતિનિધિત્વ કરવાનું બંધ કરશે. તે પછી દંપતી નવા નોનપ્રોફીટ ફાઉન્ડેશનનું પ્રતિનિધિત્વ કરશે અને સસેક્સ રોયલ કહેવાશે નહીં. ડ્યુક હેરી તેમની લશ્કરી ભૂમિકાઓ ગુમાવશે, તેમ છતાં તેઓ તેમના મેજર, લેફ્ટનન્ટ કમાન્ડર અને સ્ક્વોડ્રન લીડરના માનદ હોદ્દા જાળવી રાખશે, પરંતુ તેનો ઉપયોગ કરશે નહીં.
તેમના ‘હીઝ રોયલ હાઇનેસ’ના પદ માટે એક વર્ષ પછી સમીક્ષા કરાશે. તેમની અંતિમ શાહી ફરજ 9 માર્ચે વેસ્ટમિન્સ્ટર એબેમાં કોમનવેલ્થ ડે સર્વિસ છે. ઉત્તર અમેરિકામાં મોટાભાગનો સમય પસાર કરવાની ઇચ્છા હોવા છતાં ડ્યુક અને ડચેસ નિયમિતપણે યુકે આવશે અને વર્તમાન માનદ સેવાઓ નિભાવશે.
ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને ડચેસ મેગને કપડાં, સ્ટેશનરી, પુસ્તકો અને શિક્ષણ સામગ્રી સહિત વિવિધ વસ્તુઓ અને પ્રવૃત્તિઓ માટે ગ્લોબલ ટ્રેડમાર્ક તરીકે સસેક્સના રોયલ ટાઇટલની નોંધણી કરાવવાની તેમની યોજના પડતી મુકી છે. તેઓ બકિંગહામ પેલેસની એ વાત સાથે પણ સંમત થયા છે કે તેઓ સસેક્સ રોયલનુ ટાઇટલ પણ છોડી દેશે.
તેમને હવે પોતાની ચેરીટી માટે નવું નામ શોધવું પડશે અને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ પણ બદલવું પડશે, જેના 11.2 મિલિયન ફોલોઅર્સ છે. તેઓ પહેલેથી જ તેમના એચઆરએચ ટાઇટલનો ઉપયોગ નહીં કરવા સંમત થયા છે અને જાહેરાત કરવામાં આવી હતી કે તેમની બકિંગહામ પેલેસ ઓફિસ માર્ચના અંતમાં બંધ થશે. હેરી સિંહાસનના હક્કની લાઇનમાં છઠ્ઠા સ્થાને રહેશે અને નક્કી કરાયેલી 12 મહિનાના અજમાયશી સમય દરમિયાન તેમના માટે પાછા ફરવાનો દરવાજો ખુલ્લો રખાશે. ડ્યુક અને ડચેસ રાણીનું પ્રતિનિધિત્વ કરવાનું બંધ કરશે અને આવતા મહિનાના અંતમાં આર્થિક રીતે સ્વતંત્ર થઈ જશે.