પ્રિન્સ હેરી તેમની પત્ની મેગન અને પુત્ર આર્ચી સાથે નવું જીવન શરૂ કરવા માટે કેનેડા જઇ પહોંચ્યા છે. કેનેડાના સમય મુજબ સોમવારે રાત્રે 9-45 કલાકે હેરી વેનકુવર આઇલેન્ડ પર પહોંચતા જ ટીવી ચેનલ્સ પર તેમના આ નવા અધ્યાયની ક્ષણો બતાવવામાં આવી હતી. તેઓ 10 દિવસ પછી પત્ની મેગન અને પુત્ર આર્ચીને મળ્યા હતા.
પોતાના નવા જીવનથી ખુશખુશાલ મેગન માર્કલ પુત્ર આર્ચીને સોમવારે સવારે વેનકુવર આઇલેન્ડ પર આવેલા હોર્થ હિલ રિજનલ પાર્કમાં ફરવા લઇ ગયા હતા અને મેગને પુત્ર આર્ચી અને તેમના કુતરાઓ સાથે ચાલતા હોય તેવા ફોટો જાહેર કર્યા હતા. ડચેસે તેમના આઠ મહિનાના પુત્રને છાતી પર બેબી કેરિયરમાં રાખ્યો હતો. પરંતુ ફોટો જોનારા લોકોએ ટીપ્પણી કરી હતી કે આર્ચીને કરિયરમાં કઇ રીતે સુરક્ષીત બાંધી રાખવો તે મેગનને આવડ્યુ ન હતુ. ડચેસ સાથે બે શાહી સીક્યુરીટી ગાર્ડ પણ હતા. લોકોની ચિંતા એ છે કે આ બોડીગાર્ડ્સનુ 3 મિલિયન પાઉન્ડનુ વાર્ષીક સુરક્ષા બિલ કોણ ચૂકવશે.
ડ્યુક અને ડચેસ ઑફ સસેક્સે બ્રિટન પાછા ફરતા પહેલા ગયા વર્ષના અંતમાં કેનેડામાં છ અઠવાડિયા ગાળ્યા હતા. 2020ની તેમની પ્રથમ સત્તાવાર શાહી ફરજ કેનેડા હાઉસની મુલાકાત દરમિયાન કૉન્સ્યુલર સ્ટાફનો આભાર માનવા માટે સાથે શરૂ થઇ હતી. મેગન 10 જાન્યુઆરીએ કેનેડા પાછા ફર્યા હતા.
સોમવારે, હેરીએ યુકે-આફ્રિકા ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ભાગ લીધો હતો. તે તેમની છેલ્લી સત્તાવાર શાહી ફરજ પૈકીની એક હોવાની સંભાવના છે. વડા પ્રધાન બોરીસ જ્હોન્સન સહિત અનેક અગ્રણીઓ સાથે ખાનગી બેઠકો કર્યા બાદ, ડ્યુક હિથ્રો એરપોર્ટથી બી.એ. ફ્લાઇટ લઇને કેનેડાને વેનકુવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યાંથી વિક્ટોરિયા એરપોર્ટ માટે નાનું વિમાન લઇ પોતાના સુરક્ષા ગાર્ડ સાથે 10 મિલીયન પાઉન્ડના મેન્શન પર ગયા હતા. કેનેડાની ફ્લાઇટ પકડવાની હોવાથી ડ્યુક હેરી તેમના ભાઈ વિલિયમ દ્વારા આયોજીત બકિંગહામ પેલેસ ખાતેનુ પ્રથમ સોલો રિસેપ્શન ચૂકી ગયા હતા.