ડ્યુક ઑફ સસેક્સ પ્રિન્સ હેરી આવતા વર્ષે પોતાનું એક સંસ્મરણ પ્રકાશિત કરી રહ્યા છે અને તેમણે વચન આપ્યું છે કે તે સંસ્મરણો ધરાવતું પુસ્તક તેમના જીવનનો “સચોટ અને સંપૂર્ણ સત્યતા” ધરાવતો હિસાબ રજૂ કરશે. આ પુસ્તકમાં તેઓ સૈન્યમાં હતા તે સમયગાળાથી માંડીને તેમના લગ્ન, પિતૃત્વ અને અન્ય દરેક બાબતોને આવરી લેશે.
પ્રિન્સ હેરીની અન્ય વિવિદાસ્પદ ઘટસ્ફોટની શ્રેણી બાદ પુસ્તક લખવાની આ ઘોષણાને પગલે શાહી પરિવાર નવા વિવાદ જગાવતા આક્ષેપો કરાશે તેવા ડરે ચોંકી ઉઠ્યો છે. તેમના પિતા પ્રિન્સ ઑફ વેલ્સની નજીકના સ્ત્રોતો ગઈરાત્રે આ સમાચારથી “આશ્ચર્યચકિત” થઈ ગયા હતા. તેમ સમજવામાં આવે છે કે તેમને આ વિષે વધુ જાણ ન હતી.
ક્લેરેન્સ હાઉસના સહાયકે જણાવ્યું હતું કે “પ્રિન્સ તેમના બાળકોને ખૂબ જ ચાહે છે અને અમે તેમના પોતાના બાળકો અને પૌત્રો સહિત આગામી પેઢીનું ભાવિ સુરક્ષિત રાખીશું તેની ખાતરી કરવા માટે તેઓ પોતાના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.” જ્યારે બીજા સાથીએ સમાચાર સાંભળીને કહ્યું હતું : “ઓહ ગોશ.”
36 વર્ષના પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે, ‘’પેંગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવનાર આ સંસ્મરણોમાં હું રાજકુમાર તરીકે જન્મ્યો તેટલું જ નહીં પરંતુ હું જે માણસ બની ગયો છું, તેના વિષે લખવામાં આવશે. મેં વર્ષોથી શાબ્દિક અને અલંકારિક રૂપે ઘણી હેટ્સ પહેરી છે, અને મારી આશા એ છે કે મારા પુસ્તકમાં – ઉંચ – નીચ, ભૂલો, શીખેલા પાઠ વગેરે બતાવવામાં હું મદદ કરી શકીશ. આપણે ક્યાંથી આવ્યા છીએ તે નહિ પણ આપણે જેટલું વિચારીએ છીએ તેમાં વધારે સમાનતા છે તે જણાવીશ. હું જે શીખ્યો છું તે શેર કરવાની તક માટે હું ખૂબ આભારી છું. અને લોકો મારા જીવનનું ફર્સ્ટહેન્ડ એકાઉન્ટ વાંચવા માટે ઉત્સાહિત છે, જે સચોટ અને સંપૂર્ણ સત્યવાદી છે.”
ડેઇલી મેઇલના અહેવાલ મુજબ પ્રિન્સ હેરી કહે છે કે ‘’તેમને પુસ્તક લખવા માટે રાણીની પરવાનગીની જરૂર નથી. $20 મિલિયનના મેગક્સીટ સંસ્મરણોના લેખક તરીકે ભલે હેરીનું નામ અપાતું હોય પણ ખરેખર તે બુક મેગન લખનાર છે તેવો આક્ષેપ થઇ રહ્યો છે. રોયલ એઇડ્સને ડર છે કે આ પુસ્તકમાં ‘વધુ’ સત્યતા ધરાવતા બોમ્બ શેલ્સ હશે. પ્રિન્સ હેરી લગભગ એક વર્ષથી આ ગુપ્ત પુસ્તક પર કામ કરી રહ્યા હોવાનો દાવો થાય છે. આ પુસ્તકની હસ્તપ્રતનો પ્રથમ ડ્રાફ્ટ હાલમાં શીર્ષક વિનાનો છે અને ઓક્ટોબરમાં આવનારી ડેડલાઇન માટે લગભગ સંપૂર્ણ રીતે લખાઇ ચૂક્યો હોવાનું કહેવાય છે.
લંડનમાં પ્રિન્સેસ ડાયેનાની મૂર્તિના અનાવરણની મુલાકાત દરમિયાન રોયલ ફેમિલી સાથેના સંબંધોમાં સુધારો થયો ન હોવાના સંકેત તરીકે, 36 વર્ષીય હેરીએ આ પુસ્તક વિષે તેના દાદી, પિતા અથવા ભાઈને માહિતી આપી નથી કે તેમને આ અંગે જાણકારી પણ નથી. બીજી તરફ રાણી, પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ વિલિયમ હેરીના આ પગલા સામે આંખ આડા કાન કરી ચૂક્યા છે. હેરી એક વર્ષથી પુલિત્ઝર વિજેતા ભૂતિયા લેખક જે. આર. મોહરિંગર સાથે ગુપ્ત રીતે કામ કરી રહ્યા છે.
ન્યુ યોર્ક પોસ્ટે અહેવાલ આપ્યો છે કે હેરીને તેમના સંસ્મરણો પ્રકાશિત કરવા માટે ઓછામાં ઓછા 20 મિલિયન ડોલરની આગોતરી રકમ મળી રહી છે. હેરી આ રકમ ચેરિટીમાં દાન કરશે. જો કે, તે હજી સ્પષ્ટ નથી થયું કે આ રકમ બાના પેટે છે કે કેમ? ડ્યુક અને ડચેસ ઑફ સસેક્સના ‘ટ્રૂથ બોમ્બિંગ’ ની શરૂઆત માર્ચમાં ઑપ્રાહ વિનફ્રે સાથેના તેમના અસાધારણ ઇન્ટરવ્યુથી થઈ હતી. જેમાં તેમણે રોયલ ફેમિલી પર આર્ચીના કલર બાબતનો ઉલ્લેખ કરી જાતિવાદનો આરોપ લગાવ્યો હતો. મેગને આત્મહત્યાની લાગણી થતી હતી તેમ આક્ષેપ કર્યો હતો. આ શોને વિશ્વભરમાં લગભગ 100 મિલિયન લોકો દ્વારા જોવામાં આવ્યો હતો.