બ્રિટનના શાહિ પરિવારના રાજકુમાર અને ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરીએ પોતાના સંસ્મરણો રજૂ કરતા પુસ્તક ‘સ્પેર’ અને શ્રેણીબધ્ધ બોમ્બશેલ્સ ટીવી ઇન્ટરવ્યુમાં પોતાના પિતા કિંગ ચાર્લ્સ ત્રીજા, પોતાના સગા ભાઇ પ્રિન્સ વિલિયમ, ભાભી કેટ, શાહી પરિવાર સહિત અન્યો પર કરેલા સનસનાટીભર્યા દાવાઓ અને આક્ષેપો કરી બ્રિટનના શાહી પરિવારની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે અને શાહી પરિવારનૂ હાલત આખી દુનિયામાં શરમજનક બનાવી દીધી છે.
પ્રિન્સ હેરીએ કરેલા આક્ષેપો એટલા જોરદાર છે કે પ્રિન્સ હેરી સાથે શાહી પરિવારના સૌ સદસ્યો બાકી રહેલા સંબંધોનો પણ અંત લાવી દેશે અને રોયલ ફેમિલીમાં ફરિયાદો અને કડવાશને જન્મ આપશે. બીજી તરફ આક્ષેપો અને દાવાઓ પછી બ્રિટનના શાહી પરિવારને હવે પ્રિન્સ હેરીમાં ‘કોઈ ભરોસો બાકી રહ્યો નથી’ એમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આજે મંગળવારે હેરીની બોમ્બશેલ મેમોયર ‘સ્પેર’ રિલીઝ થઈ હતી.
સત્તાવાર પ્રકાશન તારીખ 10 જાન્યુઆરી પહેલાં જ સ્પેનમાં પ્રકાશીત થયેલા સ્પેનીશ સંસ્કરણની એક નકલ ‘સન’ અખબાર અને બીબીસી દ્વારા મેળવવામાં આવી હતી. જેમાં પ્રિન્સ હેરીએ કરેલા દાવાઓ મુજબ તેણે અને પ્રિન્સ વિલિયમે તેમના પિતા કિંગ ચાર્લ્સને કેમિલા સાથે લગ્ન ન કરવા વિનંતી કરી ભીખ માંગી હતી. તો બીજા આક્ષેપમાં પ્રિન્સ વિલિયમે તેના પર કેવી રીતે શારીરિક હુમલો કર્યો હતો તે જણાવ્યું છે. આ ઉપરાંત પોતાના કરતા મોટી વયની મહિલા સાથેના પ્રથમ સેક્સના અનુભવ, ડ્રગનું સેવન, ભાઇ સાથે ઇટન સ્કૂલમાં બનેલા બનાવો અને અફઘાનિસ્તાનમાં 25 તાલિબાન લડવૈયાઓને મારી નાખ્યા હોવાના દાવા પણ કર્યા છે. આ ઉપરાંત હેરીએ દાવો કર્યો હતો કે ચાર્લ્સે તેને અને વિલિયમને લડાઈ ન કરવા વિનંતી કરી હતી. હેરીએ પ્રિન્સેસ ડાયનાના સંદર્ભો સાથે વણઉકેલાયેલા દુઃખની ઊંડી વાતો આ પુસ્તકમાં રજૂ કરવા સાથે પોતાને આવતા “ભયાનક પેનીક એટેક્સ” અને પ્રિન્સ તરીકે શાહી ફરજો દરમિયાન જાહેરમાં દેખાવા અને બોલવા વિશે અનુભવેલી ચિંતાની વાતો રજૂ કરી છે. જો કે આ પુસ્તકમાં ડાયેનાની ગેરહાજરી જણાઇ આવે છે.
હેરીએ ITV ઇન્ટરવ્યુમાં ટોમ બ્રેડબી સમક્ષ રોયલ ફેમિલી પર આરોપ મૂક્યો છે કે જેરેમી ક્લાર્કસનની ગયા મહિને ‘સન’માં છપાયેલ અખબારી કોલમના વિવાદમાં તેની પત્ની મેઘનનો બચાવ કરવામાં શાહી પરિવાર નિષ્ફળ ગયો હતો અને “શાહી પરિવારનું મૌન બહેરાશભર્યું છે.’’ તેમણે જણાવ્યું હતું કે ‘’અનામી શાહી સ્વજન દ્વારા મારા પુત્રની ત્વચાના ટોન વિશે કરાયેલી ટિપ્પણીઓને હું જાતિવાદી માનતો નથી. તે જાતિવાદને બદલે “પૂર્વગ્રહ”નો કેસ હોઈ શકે છે. જો તે જાતિવાદી હોય તો હું તે પરિવારમાં ન રહું.’’
પ્રિન્સ હેરીએ પુસ્તક ‘સ્પેર’માં માતા ડાયેનાના પૂર્વ પ્રેમી મેજર જેમ્સ હેવિટ પોતાના પિતા હોવાની અફવાઓને પણ નકારી કાઢી છે. ત્રીસ વર્ષ પહેલાં હેરી અને જેમ્સ હેવીટનો દેખાવ સરખો હોવાથી તેઓ હેરીના પિતા હોવાની અફવાઓ પ્રસરી હતી.
કેન્સિંગ્ટન પેલેસ અને બકિંગહામ પેલેસે આ તમામ દાવાઓ અંગે ચુપકીદી સાધવાનું યેગ્ય માની કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે પણ એ ચોક્કસ છે કે આ દાવાઓ શાહી પરિવારના “અંતની શરૂઆત” બની રહ્યા છે. બીજી તરફ હેરી પુત્તરના લક્ષણો પારખી ગયેલા શાહી પરિવારે કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક વખતે હેરીની સત્તાવાર ભૂમિકાને રોકવા માટે સદીઓ જૂની પરંપરાને ઉથલાવી દઇ હેરી સહિત તમામ શાહી ડ્યુક્સને ઘૂંટણિયે પડીને રાજાને નમન કરવામાંથી મુક્તિ આપી છે. હવે માત્ર વિલિયમ જ તે ભૂમિકા નિભાવશે. જો પ્રિન્સ હેરી પિતાના રાજ્યાભિષેકમાં હાજરી આપશે તો પણ તેમની કોઈ સત્તાવાર ભૂમિકા રહેશે નહીં.
દરમિયાન, ITV સાથેના ઇન્ટરવ્યુની નવી ક્લિપમાં, પ્રિન્સ હેરીએ મે મહિનામાં મહારાજા ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક સમારોહમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું છે કે “હવે અને પછી – વચ્ચે થઈ શકે તેવું ઘણું બધું થઇ ગયું છે અને “બોલ [રોયલ ફેમિલીના] કોર્ટમાં છે”.
હેરીએ આ પુસ્તક અને શ્રેણીબધ્ધ ટીવી ઇન્ટરવ્યુઓ આપીને પોતાના શાહી પરિવારને મજાકનું સાધન બનાવી દીધું છે. અમેરિકન ટીવી સ્ટાર અને હાસ્ય કલાકાર સ્ટીફન કોલ્બર્ટે તો ટીવી ઇન્ટરવ્યુના પ્રસારણ પહેલાં હેરીના જીવનની તુલના હેરી પોટર સાથે કરી તેના નવા પુસ્તકની મજાક ઉડાડી હતી અને હેરીના ‘હિઝ રોયલ હેરીનેસ’ તરીકે ઓળખાવામાં આવ્યા હતા.
બીજી તરફ જાણે કે કુદરત બદલો વાળતી હોય તેમ કેલિફોર્નિયાના પ્રચંડ મેગા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે મેઘન અને હેરીને તેમનું અમેરિકાના કેલિફોર્નિયાના મોન્ટેસીટોનું ઘર તાત્કાલિક છોડી દેવા અને બીજે રહેવા જવા આદેશ આપવામાં આવ્યો છે.