(REUTERS Photo)

બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન માર્કેલની કારનો ન્યૂયોર્કમાં મંગળવારની રાત્રે પાપારાઝી (ફોટોગ્રાફ)એ ખતરનાક રીતે પીછો કર્યો હતો. તેનાથી બંને માટે જોખમ ઊભું થયું હતી. જોકે દંપતીને આ ઘટનામાં કોઇ ઇજા થઈ ન હતી, એમ દંપતીના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું. આ ઘટનાથી પ્રિન્સની માતા પ્રિન્સેસ ડાયનાના 26 વર્ષ પહેલા થયેલા પેરિસ કાર ક્રેશની યાદ તાજી થઈ હતી. આ અકસ્માતમાં પ્રિન્સેસ ડાયનાનું મોત થયું હતું, જેના માટે હેરીએ પાપારાઝીને જવાબદાર ગણાવ્યાં હતાં.

હેરી અને મેગન માર્કેલ અમેરિકાની આર્થિક રાજધાનીમાં એક એવોર્ડ સમારંભમાં હાજરી આપ્યા પછી પરત જઈ રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી. આ સમારંભમાં મેગન માર્કેલના માતા ડોરિયા રેગલેન્ડ પણ હાજર હતી. પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અત્યંત આક્રમક પાપારાઝીની એક ટીમે ગઇ રાત્રે સસેક્સના ડ્યુક અને ડચેસ થતાં રાગલેન્ડની કારનો જોખમકાર પીછો કર્યો હતો. આ પીછો સળંગ બે કલાક સુધી ચાલ્યો હતો. તેનાથી રસ્તા પરના અન્ય ડ્રાઇવરો, રાહદારીઓ અને બે NYPD અધિકારીઓ સાથે અકસ્માત થતાં રહી ગયો હતો.

દંપતીની નજીકના એક સ્ત્રોતે જણાવ્યું હતું કે મેગન માર્કેલ અને હેરીનો અડધો ડઝન વાહનો દ્વારા પીછો કરવામાં આવ્યો હતો જેમાં અજાણ્યા લોકો બેદરકારીથી વાહન ચલાવતાં હતાં અને કાફલાને અને તેમની આસપાસના દરેકને જોખમમાં મૂકતાં હતાં. આ પીછો જીવલેણ બની શક્યો હતો.

જોકે પોલીસ, ન્યૂયોર્ક સિટીના મેયર અને થોડા સમય માટે દંપતીનું પરિવહન કરનારા ડ્રાઇવરે કથિત કાર પીછોના જોખમ અને સમયગાળા સામે સવાલ કર્યા હતા. ન્યુ યોર્ક પોલીસ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “અસંખ્ય ફોટોગ્રાફરોએ દંપતીના પરિવહનને પડકારજનક બનાવ્યું હતું. એનવાયપીડીના પ્રવક્તા જુલિયન ફિલિપ્સે જણાવ્યું હતું કે, “સસેક્સના ડ્યુક અને ડચેસ તેમના ગંતવ્ય પર પહોંચ્યાં હતા અને ત્યાં કોઈ અથડામણ, સમન્સ, ઇજાઓ અથવા ધરપકડના અહેવાલ નથી.

મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે બે કલાકનો હાઇ-સ્પીડ પીછો હોવાની બાબત માનવાનું મુશ્કેલ છે, પરંતુ ન્યૂ યોર્ક સિટીમાં 10-મિનિટનો પીછો અત્યંત જોખમી બની શકે છે.

હેરી લાંબા સમયથી મીડિયા સાથે સારા સંબંધ ધરાવતા નથી. હેરી અને મેઘને 2020ની શરૂઆતમાં શાહી પરિવારની ફરજોનો ત્યાગ કર્યો હતો અને તેઓ બ્રિટનથી અમેરિકા આવી ગયા હતાં.

ઇન્ડિયન અમેરિકન કેબીએ જોખમી પીછો હોવાનો ઇનકાર કર્યો

પ્રિન્સ હેરી અને મેગન માર્કેલને 10 મિનિટ સુધીમાં કાર બેસાડીને લઈ જનારા ઇન્ડિયન અમેરિકન કેબ ડ્રાઇવર સુખચરણ સિંહે જણાવ્યું હતું કે ન્યૂયોર્કમાં પારારાઝીએ પીછો કરતાં દંપતી ખૂબ નર્વસ હતા. આ પીછો ખતરનાક હતો કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે “મને નથી લાગતું કે તે સાચું છે, તે અતિશયોક્તિપૂર્ણ છે. તેનાથી વધુ પડતા અર્થ કાઢશો નહીં. તેઓ અથવા તેમના મુસાફરો જોખમમાં હતા કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ના, ન્યુ યોર્ક સિટી સૌથી સુરક્ષિત સ્થળ છે. દરેક ખૂણા પર પોલીસ કર્મચારીઓ હોય છે.

LEAVE A REPLY