બ્રિટનના પ્રિન્સ હેરીએ દાવો કર્યો છે કે અમેરિકામાં 6 જાન્યુઆરીએ કેપિટોલ હિલ પરના ટ્રમ્પ સમર્થકોના હુમલા પહેલા તેમણે ટ્વીટરના સીઇઓને ચેતવ્યા હતા કે અમેરિકાની રાજધાનીમાં રાજકીય અસ્થિરતા ફેલાવવા માટે આ સોસિયલ મીડિયા સાઇટનો ઉપયોગ થઈ રહ્યો છે.
કેલિફોર્નિયામાં ખોટી માહિતી અંગેની ઓનલાઇન પેનલમાં ચર્ચા દરમિયાન પ્રિન્સ હેરીએ મંગળવારે આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ રમખાણના એક દિવસ પહેલા તેમણે ટ્વીટરના સીઇઓ જેક ડોર્સીને ઇ-મેઇલ કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
રિઃવાયર્ડ ટેક ફોરમમાં હેરીએ જણાવ્યું હતું કે “6 જાન્યુઆરી પહેલા જેક અને હું એકબીજાને ઇ-મેઇલ કરતાં હતા, જેમાં મે તેમને વોર્નિંગ આપી હતી કે તેમનું પ્લેટફોર્મ બળવા માટેનું માધ્યમ બની રહ્યું છે. આ ઇ-મેઇલ એક દિવસ પહેલા કરવામાં આવ્યો હતો અને પછી આ ઘટના બની હતી અને તે પછીથી તેમના તરફથી મને કંઇ કહેવામાં આવ્યું નથી.” જોકે ટ્વીટરે હેરીની આ ટીપ્પણી અંગે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.
ખોટી માહિતી અને ઉશ્કેરણીજનક કન્ટેન્ટના ફેલાવવાને રોકવા માટે પૂરતા પગલાં ન લેવા માટે સોસિયલ મીડિયા સાઇટ્સની ભારે ટીકા થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા અમેરિકાની સંસદ પરના હુમલાને આનું એક ઉદાહરણ માનવામાં આવે છે. દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓ જાહેર સુરક્ષા કરતાં પોતાની વૃદ્ધિ અને નફાને વધુ મહત્ત્વ આપતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.
હેરીએ આક્ષેપ કર્યો હતો કે ફેસબૂક જેવી બીજી સોસિયલ મીડિયા સાઇટ્સ કોરોના મહામારી અને ક્લાઇમેટ ચેન્જ અંગે ખોટી માહિતી સાથે કરોડો લોકોને ગેરમાર્ગે દોરે છે. યુટ્યુબને નિશાન બનાવીને તેમણે જણાવ્યું હતું કે ઘણા વીડિયો કોરોના અંગે ખોટી માહિતી ફેલાવે છે. આવા વીડિયો સાઇટના પોતાના નિયમોનો ભંગ કરતાં હોવા છતાં તે હજુ પણ સાઇટ પર છે.
તેમણે જણાવ્યું હતું કે “વધુ ખરાબ સ્થિતિ એ છે કે યુટ્યુબના અલ્ગોરિથમના રિકમેન્ડેશન ટૂલ્સ મારફત આવા વીડિયો યુઝર્સને મળી જાય છે. હકીકતમાં યુઝર્સ બીજા કોઇ વીડિયો સર્ચ કરતાં હોય છે. આવા વીડિયાને અટકાવી શકાય છે, પરંતુ તેઓ અટકાવતા નથી કારણ કે તેમની નફાકારકતાને અસર થાય છે. ”