પ્રિન્સ ચાર્લ્સને કોરોનાવાયરસ: બાલમોરલમાં આઇસોલેટ થયા

0
551
(Photo by Chris Jackson/Getty Images)

પ્રિન્સ ચાર્લ્સને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોવાનુ જાહેર થયુ છે અને તેઓ સ્કોટલેન્ડના બાલમોરલ કાસલ ખાતે પત્ની ડચેસ ઑફ કોર્નવૉલ કેમિલા સાથે સેલ્ફ ઓઇસોલેટ થયા છે. પ્રિન્સ છેલ્લે મહારાણીને 13 દિવસ પહેલા 12 માર્ચે બકિંગહામ પેલેસ ખાતે મળ્યા હતા. તેમના પત્ની કેમિલાને હજી સુધી વાયરસના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. તેમના બન્ને પર તબીબો ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.  પ્રિન્સ હળવા લક્ષણો ધરાવે છે અન્યથા તેમની તબિયત સારી છે અને છેલ્લા કેટલાક દિવસોથી રાબેતા મુજબ ઘરેથી કામ કરી રહ્યા છે.

93 વર્ષના મહારાણી હાલમાં પતિ ફિલિપ સાથે વિન્ડસર કાસલ ખાતે આરામ ફરમાવી રહ્યા છે અને તેમની તબિયત સારી છે. તેઓ પોતાના આરોગ્ય બાબતે બધી જ યોગ્ય સલાહનું પાલન કરી રહ્યાં છે. વિલિયમ અને કેટ નોર્ફોકના અનમર હોલમાં અને મેગન અને હેરી કેનેડામાં છે. મોનાકોના પ્રિન્સ આલ્બર્ટને મળ્યાના બે અઠવાડિયા પછી 71 વર્ષના પ્રિન્સ ઑફ વેલ્સનો ટેસ્ટ ગઈકાલે પોઝીટીવ આવ્યો હતો. તેમના પત્ની કેમિલાને વાયરસના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.

પ્રિન્સ ચાર્લ્સ તેમની 71 વર્ષની ઉંમરને કારણે ઉચ્ચ જોખમ ધરાવતાં વર્ગમાં હોવાનું માનવામાં આવે છે. પરંતુ ડોકટરો કહે છે કે પ્રિન્સ ચાર્લ્સની સારી આહાર અને આરોગ્યપ્રદ જીવનશૈલી તેમને સ્વસ્થ રાખે છે. તેમની બીમારીઓ અંગે બહુ માહિતી જાહેર થઇ નથી. પરંતુ વર્ષોથી તેમને થયેલી ઇજાઓની યાદી લાંબી છે. પરંતુ ડોકટરોએ જણાવ્યું છે કે તેઓ જીવલેણ વાયરસથી બચાવા માટે ‘ઉત્તમ સ્થિતિ’નુ આરોગ્ય ધરાવે છે.

મોનાકોના કોરોનાવાયરસથી અસરગ્રસ્ત પ્રિન્સ આલ્બર્ટને પ્રિન્સ ચાર્લ્સ લંડનમાં 10 માર્ચે વોટરએઇડ ઇવેન્ટમાં મળ્યા હતા અને તેઓ સામસામે બેઠા હતા. પાંચ દિવસ પહેલા પ્રિન્સ આલ્બર્ટને વાયરસ હોવાનુ બહાર આવ્યુ હતુ. તે પછી બે દિવસ બાદ 12 માર્ચે પ્રિન્સ ઑફ વેલ્સે બકિંગહામ પેલેસમાં મહારાણીને ટૂંક સમય માટે  જોયા હતા. પ્રિન્સની માંદગી તેમની માતા અને પ્રિન્સ ફિલિપ સહિતના વૃદ્ધ રોયલ્સના સ્વાસ્થ્ય માટે ભય ઉભો કર્યો છે.

ક્લેરેન્સ હાઉસના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘’હાલનાં સપ્તાહોમાં તેઓ જાહેર કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં વ્યસ્ત રહ્યા હોવાને કારણે તેમને ચેપ ક્યાંથી લાગ્યો તે કહેવું અશક્ય છે. પરંતુ તે પ્રિન્સ આલ્બર્ટ પાસેથી મેળવ્યો છે કે કેમ અને તેમણે  પોતે કેટલા લોકોને ચેપ ફેલાવ્યો છે તેના પર સવાલો ઉભા થશે.

શાહી સ્ત્રોતના જણાવ્યા મુજબ ચાર્લ્સના ડૉક્ટરનો અંદાજ એ છે કે તેઓ મહારાણીને છેલ્લે જોયાના 24 કલાક પછી તા. 13 માર્ચથી ચેપ ધરાવતા હશે. પણ તેઓ પ્રિન્સ ફિલિપને ઘણાં સમયથી મળ્યા નથી. ચાર્લ્સ તા. 9 માર્ચે વેસ્ટમિંસ્ટર એબીમાં કોમનવેલ્થ સર્વિસમાં પણ મહારાણીને મળ્યા હતા.

પ્રિન્સ ચાર્લ્સે કોરોનાવાયરસ કટોકટી હોવા છતાં જાહેરમાં વ્યસ્ત રહેવાનું ચાલુ રાખ્યું હતુ અને તેમણે હાથ મિલાવવાનું ટાળી સૌને નમસ્તે કહેવાનુ શરૂ કર્યુ હતુ.