પ્રિન્સ ઑફ વેલ્સએ અમેરિકામાં પોતાનું નવું જીવન શરૂ કરવા માટે ડ્યુક ઑફ સસેક્સ પ્રિન્સ હેરીને નોંધપાત્ર રકમ આપી હતી એમ પ્રિન્સ ચાર્લ્સની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ પ્રિન્સ હેરીએ આ અગાઉ જણાવ્યું હતું કે “મારા પરિવારે મને આર્થિક રીતે કાપી નાખ્યો હતો.”
પિતા સાથેના સંબંધો ખરાબ રીતે તૂટી ગયા બાદ માર્ચ મહિનામાં ઓપ્રાહ વિનફ્રે સાથેની મુલાકાતમાં પ્રિન્સ હેરીએ કહ્યું હતું કે તેમની પાસે પૈસા ઓછા હોવાથી તેણે અને ડચેસે માત્ર નેટફ્લિક્સ અને સ્પોટીફાઇ જેવી સ્ટ્રીમિંગ સેવાઓ સાથે સોદા કરી પોતાનું ગુજરાન ચલાવ્યું હતું.
પ્રિન્સ ચાર્લ્સની નાણાંકીય બાબતોના બ્રીફિંગ દરમિયાન ક્લેરેન્સ હાઉસના એક પ્રવક્તાએ કહ્યું હતું કે “જાન્યુઆરી 2020માં ડ્યુક અને ડચેસે રાજવી પરિવારથી દૂર જઇ રહ્યા હોવાની જાહેરાત કરતી વખતે ડ્યુકે નાણાકીય રીતે સ્વતંત્ર થવાની ઇચ્છા જાહેર કરી હતી. પ્રિન્સ ઓફ વેલ્સે આ ટ્રાન્ઝીશન વખતે તેમને ટેકો આપવા માટે નોંધપાત્ર રકમ ફાળવી હતી. આ દંપતી હવે આર્થિક રીતે સ્વતંત્ર છે. પરંતુ રાજવી પરિવારમાંથી દંપતીની વિદાયને પરિવાર માટે ખૂબ જ ઉદાસીન બાબત હતી.’’
ચાર્લ્સના હિસાબ મુજબ 2020-21માં તેમના પુત્રો અને તેમના પરિવારોને ટેકો આપવા માટે લગભગ £1 મિલિયનથી સહેજ ઓછો ખર્ચ કર્યો હતો. તે પછી હેરી અને મેગનને કોઇ ભંડોળ મળ્યું નથી. તે અગાઉના વર્ષે હેરી અને વિલિયમને £4.45 મિલિયન અને તેના પહેલાના વર્ષે £5.60 મિલિયન આપ્યા હતા.
બકીંગહામ પેલેસે કબૂલ્યું હતું કે, મહારાણીને કોવિડ રોગચાળાના કારણે મહેલ અને અન્ય શાહી પર્યટન આકર્ષણો લોકો માટે બંધ હોવાથી ટૂરીસ્ટોની આવક મળતી બંધ થઇ જતા વધુ ગંભીર આર્થિક ફટકો પડ્યો હતો. તેમની આવકમાં 50 ટકાનો ઘટાડો થયો છે.
કરદાતા તરફથી મહારાણીને મળતી સોવરીન ગ્રાન્ટ પેટે 2020-21 દરમિયાન £3.5 મિલિયનના વધારા સાથે £85.9 મિલિયન ચૂકવાયા હતા. તેમને રોયલ કલેક્શન ટ્રસ્ટ તરફથી £20.2 મિલિયન મળતા હતા પરંતુ કોવિડના કારણે £9.4 મિલિયનનો ઘટાડો થયો છે.